ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : 16 ચેકપોસ્ટ થશે નાબુદ

14 November, 2019 03:45 PM IST  |  Gandhinagar

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : 16 ચેકપોસ્ટ થશે નાબુદ

વિજય રૂપાણી

રાજ્ય સરકારે આજે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં 20 નવેમ્બરથી 16 ચેક પોસ્ટ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. તેમજ 221 આઈટીઆઈ અને 29 પોલિટેકનિકમાંથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. 15 નવેમ્બરથી લર્નિંગ લાયસન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. આમ હવે નાગરિકોને આરટીઓમાં જવાની જરૂર રહેશે નહીં.


વાહન ચાલકો ટેક્સ અને ફીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે
વાહન ચાલકો ટેક્સ અને ફી parivahan.gov.in પર ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. ચેકપોસ્ટ પર રૂ. 332 કરોડની આવક હતી. જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે. ઓવર ડાયમેન્શન અને કાર્ગો માટેના વાહન અને માલની મુક્તિની જોગવાઈ મુજબ ઓનલાઈન ફી ચૂકવી મુક્તિ મેળવી શકશે. આ પરવાનગી ફક્ત વાહનના માપ અને માલના ઓવર ડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડ્યુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. તેમજ દંડ ઈ ચલણથી વસૂલવામાં આવશે.

ઓનલાઇન સેવામાં સાત સેવાનો ઉમેરો
મુખ્યમંત્રીએ જણાવ્યા મુજબ, ઓનલાઇન સેવામાં નવી સાત સેવાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ડુપ્લિકેટ આર.સી. બુક સહિતના કામો ઓનલાઇન થશે. આ માટે જે તે વ્યક્તિએ ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. હાલ ગુજરાત સરકાર પાસે 2010 પછીનો વાહનોનો તમામ ડેટા ઉપલબ્ધ છે. આગામી ત્રણ મહિનામાં 2001 થી 2010 સુધીનો ડેટા પણ ઉપલબ્ધ બનશે. એટલે કે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ ઓનલાઇન ઉપલબ્ધ બનશે.

આ પણ જુઓ : Children's Day: દેશના પ્રથમ વડાપ્રધાનને તેમના જન્મદિવસે કરીએ યાદ

વાહન ચાલકો હેલ્પલાઈન નંબર અને વેબસાઈટ પરથી માર્ગ દર્શન મેળવી શકશે
રાજ્ય સરકાર મુજબ, આ નિર્ણયને કારણે ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો જોવા મળશે અને ધંધા રોજગારમાં ગતિ આવશે અને કાર્યક્ષમતામાં વધારો થશે. તેમજ 40 લાખ લોકોને ફાયદો થશે. આ ઉપરાંત વાહન ચાલકો માર્ગદર્શન અને ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર(079)23257808 અને 23251369 પર રજૂઆત કરી શકશે. તેમજ ઈમેલ અને વેબસાઈટ cot.gujarat.gov.in પરથી વધારાની માહિતી મેળવી શકશે.

gujarat ahmedabad gandhinagar