અમદાવાદમાં સુપ્રસિદ્ધ રથયાત્રાના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ ગયો

15 May, 2021 01:56 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

જોકે પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવીને રથયાત્રા કાઢવા અંગે સરકાર નિર્ણય લેશે

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની શણગારથી સજ્જ મૂર્તિ નજીક ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ.

ગુજરાતના અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા માટે ગઈ કાલે જગન્નાથજી મંદિરમાં ચંદનપૂજા યોજાઈ હતી અને ભગવાનના ત્રણ રથોનું પૂજન કરવામાં આવ્યું હતું.

જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગઈ કાલે ૧૪૪મી રથયાત્રાની પ્રથમ પૂજનવિધિ ચંદન પૂજાથી કરી હતી તેમ જ દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ ત્રણ રથની પૂજા કરી હતી. કોરોનાના કારણે ગયા વર્ષે અમદાવાદમાં રથયાત્રા યોજાઈ નહોતી. જોકે જાડેજાએ આ વર્ષે રથયાત્રા યોજવા અંગે કહ્યું હતું કે ‘આ વર્ષે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવીને રથયાત્રા કાઢવા અંગેનો નિર્ણય કરવામાં આવશે.’

સાળંગપુરમાં આમ્રોત્સવ ઊજવાયો
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે અખાત્રીજના અવસરે આમ્રોત્સવ ઊજવાયો હતો. હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરીને કેરીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હનુમાનજી સમક્ષ કેરીઓ ઉપરાંત કેરીના પીસ કરીને મૂક્યા હતા તેમ જ મૅન્ગો જૂસ અને કાચી કેરીનું શરબત પણ ધરાવાયું હતું. આમ્રોત્સવની વિશેષ અન્નકૂટ આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ દ્વારા કરવામાં આવી હતી.ભાવિકોએ ઑનલાઇન દર્શન કર્યાં હતાં.

gujarat ahmedabad shailesh nayak