ભૂપેન્દ્ર પટેલ બનશે ફરી સીએમ, ૧૨ ડિસેમ્બરે શપથવિધિ

09 December, 2022 09:43 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કમુરતાં પહેલાં બીજેપી સરકાર લેશે શપથ, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિતના મહાનુભાવો રહેશે હાજર

ફાઇલ તસવીર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ રેકૉર્ડબ્રેક વિજય હાંસલ કર્યા બાદ ગુજરાતમાં નવી સરકારની શપથવિધિ ૧૨ ડિસેમ્બરે યોજાશે અને ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલ મુખ્ય પ્રધાન બનશે.
ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી.આર.પાટીલે ગઈ કાલે કહ્યું હતું કે ‘સરકારની અને મુખ્ય પ્રધાનની શપથવિધિ ૧૨ ડિસેમ્બરે બપોરે ૨ વાગ્યે ગાંધીનગરમાં હેલિપૅડ ગ્રાઉન્ડ પર થશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહેશે.’

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લી ચાર ટર્મથી એવું બનતું આવ્યું છે કે ડિસેમ્બરમાં ચૂંટણીઓ યોજાતાં અને પરિણામ આવતાં કમુરતાં બેસી ગયાં હોય છે. જોકે ચાર ટર્મ પછી આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાતાં એનું પરિણામ કમુરતાં પહેલાં આવી ગયું છે. આ વખતે ૧૬ ડિસેમ્બરથી ધનાર્ક કમુરતાં બેસશે. સામાન્ય રીતે હિન્દુ સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે કમુરતાંના દિવસો દરમ્યાન સારાં કાર્યો થતાં હોતાં નથી. જોકે આ વખતે આજે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ત્યારે બીજેપી કમુરતાં પહેલાં સરકાર રચીને મુખ્ય પ્રધાન સહિત પ્રધાનમંડળની શપથવિધિ કરી શકશે.

ઉલ્લેખનીય બાબત એ રહી છે કે ગુજરાતમાં વિધાનસભાની છેલ્લી ચાર ટર્મ દરમ્યાન એવું બનતું આવ્યું છે કે કમુરતાંમાં જ બીજેપીએ સરકાર રચી છે અને વિના વિઘ્ને પાંચ વર્ષ પણ પૂરાં કરી રહી છે. આની પાછળ એવું કારણ પણ જાણવા મળ્યું છે કે છેલ્લી ચાર ટર્મ દરમ્યાન સરકારની શપથવિધિ બપોરે ૧૨-૩૯ મિનિટના વિજયમુહૂર્તમાં થાય છે. કહેવાય છે કે જો તમારે વિજયમુહૂર્તમાં સારાં કામ કરવાં હોય તો કરી શકો છો, એમાં કોઈ બાધ આવતો નથી. 

gujarat gujarat news gujarat elections gujarat election 2022 bharatiya janata party Gujarat BJP bhupendra patel