‘ગુજરાત રાજ્યમાં આવી રોહી ચૂંટણી, જાગી જાયા બાયા જાગી જાયા રા...’

30 November, 2022 09:00 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ચૌધરી, વસાવા અને ગામીત લોકબોલીમાં લખાયેલાં અને ગવાયેલાં ગીતો પર તાપી જિલ્લામાં વ્યારા અને સોનગઢમાં લોકો ગરબે ઘૂમ્યા, મતદાન-જાગૃતિ અભિયાનમાં તાપી જિલ્લા ચૂંટણીતંત્રએ નવતર પ્રયાસ કરીને ઇલેક્શન-ગરબા યોજ્યા

તાપી જિલ્લામાં યોજાયેલા ઇલેક્શન ગરબામાં ગરબે ઘૂમતા યંગસ્ટર્સ અને નાગરિકો

‘ગુજરાત રાજ્યમાં આવી રોહી ચૂંટણી, જાગી જાયા બાયા જાગી જાયા રા...’

‘લોકશાહીણે ચૂંટણી આવી હા, ચાલા બદે મત નાંખણે...’

દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં ગઈ કાલે યોજાયેલા ઇલેક્શન-ગરબામાં આ ગરબા-ગીતો પર મતદારો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. મતદાન-જાગૃતિ અભિયાનના ભાગરૂપે તાપી જિલ્લા ચૂંટણીતંત્રએ નવતર પ્રયાસ કરીને ઇલેક્શન ગરબા યોજ્યા હતા. સ્થાનિક બોલીમાં મતદાન ઉપર રચાયેલાં ગરબા-ગીતોએ રંગ જમાવ્યો હતો.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન વધુમાં વધુ થાય એ માટે ચૂંટણીતંત્ર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાર્ગવી દવેના માર્ગદર્શનમાં વ્યારા સયાજી ગ્રાઉન્ડ ખાતે તથા સોનગઢમાં દશેરા કૉલોની  પ્રાથમિક શાળા ખાતે ઇલેક્શન ગરબાનું આયોજન કરવામા આવ્યું હતું. ચૌધરી, વસાવા અને ગામીત લોકબોલીમાં લખાયેલાં અને ગવાયેલાં ગીતો આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં અને એના પર વ્યારા અને સોનગઢમાં લોકો ગરબે ઘૂમ્યા હતા.

તાપી જિલ્લા માહિતી વિભાગના સુપરવાઇઝર અલ્કેશ ચૌધરીએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘મતદાન-જાગૃતિ માટે ગીતો અને ગરબા લખવા માટે અહીંના બાર ગાયકો સાથે વાત કરીને વીસ જેટલાં ગીતો અને ગરબા તેમના દ્વારા લખાયાં અને ગવાયાં છે.’

ચૌધરી, ગામીત અને વસાવા લોકબોલીમાં ગવાયેલાં અને લખાયેલાં આ ગીતોનો અર્થ શું? 

‘લોકશાહીણે ચૂંટણી આવી હા, ચાલા બદે મત નાંખણે...ડાહ્યે જુવાન્યે બધેહ મત નાંખવાણો, મતદાન કરીને આપડે હક મેલીવવાણો, લોકશાહીણે પર્વ હા, ચૂંટણી હા, ચાલા બધેહ મત નાંખણે.’
ચોધરી બોલીમાં લખાયેલા આ ગીતમાં એવું કહેવામાં આવ્યું છે કે લોકશાહીની ચૂંટણી આવી છે. ચાલો, બધા મત નાખવા, સમજુ યુવાનો બધાએ મત નાખવાનો છે. મતદાન કરીને આપણે આપણો અધિકાર મેળવવાનો છે. લોકશાહીનો પર્વ છે ચૂંટણી, ચાલો બધા મત નાખવા.

તાપીના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને સોનગઢ વિસ્તારમાં મહત્તમ વસાવા લોકોની વસ્તી છે. આ બોલીમાં ગીત લખાયું છે કે ‘આપુ માટે મતદાન હાય, મતદાને કેરા જાહું રા, આપુ લોકોને જાગવીને મતદાને કેરા જાહું રા.’

આનો અર્થ થાય છે કે આપણા માટે મતદાન છે. આપણે સૌ મતદાન કરવા જઈશું, આપણા લોકોને જાગ્રત કરીને મતદાન કરવા જઈશું.

‘ચૂંટણીએ દીહે એનાવા બાયા, ચુંટણીએ દીહ એનાવા, તાપી જીલ્લામાં ચુંટણી એનીહ, ચૂંટણીએ દીહ બાય એનાવા. હારમાં હીરો દીહ આજે, મતદાન કરા જાતે રા, યોક બીજાલે હમજાડી આપા મતદાન કરા જાતે રા.’

ગામીત બોલીમાં લખાયેલા અને ગવાયેલા આ ગીતનો અર્થ એ છે કે ચૂંટણીના દિવસો આવ્યા, બહેનો ચૂંટણીના દિવસો આવ્યા. તાપી જિલ્લામાં ચૂંટણી આવી, સારામાં સારો દિવસ છે આજે મતદાન કરવા જઈશું રે. એકબીજાને સમજાવી આપણે મતદાન કરવા જઈશું રે...

આ ગીત નાના કાકડકુવા ગામની દીકરી રિ​દ્ધિ ગામીતે ગામીત બોલીમાં ગાયું છે જેને સારો આવકાર મળ્યો છે.

gujarat gujarat news gujarat elections gujarat election 2022 shailesh nayak