વોટ આપી તરત જ હેલિકૉપ્ટરમાં જામનગર જવા રવાના

02 December, 2022 10:02 AM IST  |  Rajkot | Rashmin Shah

વાઇફ જલદી પોતાના મતવિસ્તારમાં પહોંચે એવા હેતુથી નવા લુકમાં આવેલા હસબન્ડે આગોતરી જ હેલિકૉપ્ટરની વ્યવસ્થા કરી

રાજકોટમાં વોટ આપીને બન્ને તાત્કાલિક જામનગર જવા માટે રવાના થઈ ગયાં હતાં

જામનગરનાં બીજેપીનાં કૅન્ડિડેટ અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં વાઇફ રીવાબા અને રવીન્દ્રનાં નામો રાજકોટના વોટર્સ લિસ્ટમાં હતાં એટલે ગઈ કાલે સવારે રાજકોટમાં વોટ આપીને બન્ને તાત્કાલિક જામનગર જવા માટે રવાના થઈ ગયાં હતાં. રીવાબા રાજકોટથી જામનગર તાત્કાલિક પહોંચે એ માટે રવીન્દ્રએ હેલિકૉપ્ટરની વ્યવસ્થા રાખી હતી. રાજકોટ-જામનગર વચ્ચે ૯૦ કિલોમીટરનું જ અંતર છે, જો ધાર્યું હોત તો દોઢ કલાકમાં બાય-રોડ જામનગર પહોંચી શકાયું હોત પણ વોટિંગના કયામતના દિવસે ખોટો સમય ન બગડે અને રીવાબા પોતાના મતવિસ્તારમાં વહેલી તકે પહોંચી જાય એવા હેતુથી રવીન્દ્રએ ચાલીસ મિનિટમાં વાઇફ જામનગર પહોંચે એવી અરેન્જમેન્ટ કરી હતી.

રાજકોટમાં રીવાબા વોટિંગ માટે પહોંચ્યાં ત્યારે ન્યુઝ ચૅનલના જર્નલિસ્ટ તેમના ઇન્ટરવ્યુ માટે રીતસર ચોંટી પડ્યા એટલે રીવાબાએ હસતાં-હસતાં કહેવું પડ્યું હતું કે જે કામ માટે આવી છું (વોટિંગ માટે) એ કામ તો પહેલાં કરવા દો, ઇન્ટરવ્યુ પછી લેજો.

રીવાબાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘નવી જનરેશનને વિકાસ સિવાયની રાજનીતિમાં ઇન્ટરેસ્ટ નથી અને એટલે જ નવી જનરેશન બહાર નીકળીને બીજેપીને જિતાડવાનું કામ કરે છે તો બીજા તબક્કામાં પણ તે આ જ કામ કરશે.’

વાઇફ સાથે આવેલો રવીન્દ્ર પહેલી વાર નવા લુકમાં જોવા મળ્યો હતો. હેરસ્ટાઇલમાં રવીન્દ્રએ ખાસ્સો ચેન્જ કર્યો છે એ સ્પષ્ટ દેખાતું હતું.

gujarat gujarat news gujarat elections gujarat election 2022 jamnagar rajkot ravindra jadeja Rashmin Shah