તાપી અને ડાંગમાં પુરુષો કરતાં મહિલા મતદારોએ કર્યું વધુ મતદાન

03 December, 2022 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં કુલ ૬૩.૧૪ ટકા મતદાન : સૌથી વધુ ૭૮.૨૪ ટકા નર્મદા જિલ્લામાં અને સૌથી ઓછું ૫૭.૫૮ ટકા બોટાદ જિલ્લામાં મતદાન, વલસાડ, જંબુસર, ગઢડા, કેશોદ, જામજોધપુર, જામનગર નૉર્થ અને ભુજ બેઠક પર થર્ડ જેન્ડર મતદારોનું ૧૦૦ ટકા મતદાન

તાપી જિલ્લામાં ગુરુવારે મતદાન મથકની બહાર મતદાન કરવા આવેલી મહિલાઓની લાઇન લાગી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા તાપી અને ડાંગમાં પુરુષ મતદાર કરતાં મહિલા મતદારોએ વધુ મતદાન કર્યું હતું એટલું જ નહીં; વલસાડ, જંબુસર, ગઢડા, કેશોદ, જામજોધપુર, જામનગર નૉર્થ અને ભુજ બેઠક પર થર્ડ જેન્ડર મતદારોનું ૧૦૦ ટકા મતદાન થયું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગુરુવારે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાઓમાં મતદાન યોજાયું હતું, જેમાં ગુજરાતમાં કુલ ૬૩.૧૪ ટકા મતદાન થયું છે. સૌથી વધુ ૭૮.૨૪ ટકા મતદાન નર્મદા જિલ્લામાં અને સૌથી ઓછું ૫૭.૫૮ ટકા મતદાન બોટાદ જિલ્લામાં થયું હતું. કચ્છ, સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાઓમાંથી ૬ જિલ્લાઓમાં ૬૦ ટકાથી પણ નીચું મતદાન થયું છે. કચ્છ, તાપી જિલ્લામાં ૧,૯૪,૧૪૧ પુરુષ મતદારોએ અને ૧,૯૫,૪૪૦ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. ડાંગ જિલ્લામાં ૬૪,૭૧૬ પુરુષ મતદારોએ અને ૬૫,૪૪૮ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. તાપી જિલ્લામાં સરેરાશ ૭૭.૦૪ ટકા મતદાન અને ડાંગ જિલ્લામાં કુલ ૬૭.૩૩ ટકા મતદાન થયું હતું.

gujarat gujarat news gujarat elections gujarat election 2022 congress Gujarat Congress bharatiya janata party Gujarat BJP aam aadmi party