રાહુલ ગાંધીએ બતાવ્યો આદિવાસી અને બીજેપીના વનવાસી વચ્ચેનો ફરક

22 November, 2022 08:53 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસ નેતાએ કેન્દ્ર સરકારને મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો અને આદિવાસીઓના મુદ્દે ઘેરી

સુરત નજીકના મહુવામાં આયોજિત રૅલીમાં કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગઈ કાલે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ ગુજરાતના આદિવાસી બેલ્ટમાંથી પ્રચારના શ્રીગણેશ કરતાં બીજેપી સરકારને મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો અને આદિવાસીઓના મુદ્દે ઘેરી હતી. એટલું જ નહીં, મોરબી દુર્ઘટનાના મુદ્દે બીજેપી સરકાર સામે પ્રશ્નો ઉઠાવતાં કહ્યું હતું કે ‘જેઓએ આ કામ કર્યું એની સામે કોઈ કાર્યવાહી કેમ નહીં? કોઈ એફઆઇઆર કેમ નહીં?’ રાહુલ ગાંધીએ ગઈ કાલે પહેલાં સુરત જિલ્લાના મહુવા પાસે પાંચ કાકડા અને ત્યાર બાદ રાજકોટમાં ચૂંટણીસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બીજેપી પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘બીજેપીના લોકો તમને આદિવાસી નથી કહેતા, વનવાસી કહે છે. તેઓ કહે છે કે તમે જંગલમાં રહો. ફરક સમજમાં આવ્યોને? મતલબ તેઓ નથી ઇચ્છતા કે તમે શહેરમાં રહો. તમારાં બાળકો એનન્જિનિયર–ડૉક્ટર બને, હવાઈ જહાજ ઉડાડતાં શીખે, અંગ્રેજી બોલે એવું નથી ઇચ્છતા. તેઓ ઇચ્છે છે કે તમે જંગલમાં જ રહો. તેઓ ત્યાં નથી રોકાતા. તેઓ તમારાથી જંગલ છીનવવાનું કામ કરી દે છે. સાચી વાત છેને? તેમનું કામ ચાલતું ગયું તો પાંચ-સાત વર્ષ પછી આખેઆખું જંગલ તેમના બે-ત્રણ ઉદ્યોગપતિ મિત્રોના હાથમાં હશે અને તમારે માટે રહેવાની જગ્યા નહીં હોય. તમારી શિક્ષા નહીં હોય, સ્વાસ્થ્ય નહીં મળે, રોજગારી નહીં મળે. આદિવાસી શબ્દ મતલબ આ દેશ આપનો હતો અને તમને તમારો હક મળવો જોઈએ, તમને રોજગાર મળવો જોઈએ, સ્વાસ્થ્ય–શિક્ષા મળવી જોઈએ. તમે વનવાસી નથી, આદિવાસી છો અને આ દેશ તમારો છે, હતો અને રહેશે.’

રાહુલ ગાંધીએ એન્વાયર્નમેન્ટનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે ‘આજકાલ દુનિયામાં લોકો એન્વાયર્નમેન્ટની વાત કરે છે. કૉન્ફરન્સ થાય છે. નેતાઓ મળે છે, એન્વાયર્નમેન્ટ માટે વાતો થાય છે. એન્વાયર્નમેન્ટની બાબતે આદિવાસી ભાઈઓને બધા નેતાઓ કરતાં વધુ જાણકારી છે. તેમને શીખવી શકે છે. સરકારનું કામ, નેતાઓનું કામ તમારો અવાજ સાંભળવાનું છે.’

રાહુલ ગાંધીની સભામાં પહેલી વાર એવું બન્યું કે રાહુલ ગાંધી હિન્દીમાં બોલતા હતા અને તેમનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન ગુજરાત કૉન્ગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી કરતા હતા. જોકે સભામાં ઉપસ્થિત લોકોએ કહ્યું હતું કે તમે હિન્દીમાં બોલો, અમને સમજાય છે.

gujarat gujarat news gujarat elections gujarat election 2022 congress Gujarat Congress rahul gandhi bharatiya janata party Gujarat BJP