મિશન મતદાર

05 December, 2022 09:01 AM IST  |  Ahmedabad | Rashmin Shah

બીજેપીને કૉન્ફિડન્સ છે કે એનો ડેડિકેટેડ વોટર બીજા કોઈને મત નથી આપવાનો, પણ...

વિજયી ભવ : અમદાવાદમાં ગઈ કાલે હીરાબાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ જ આશીર્વાદ આપ્યા હશે

આ વખતે તે નારાજ છે એટલે વોટિંગ માટે બહાર નીકળવાનું ટાળે છે. આ વોટર્સને કેવી રીતે બહાર લાવવા એના પર ગઈ કાલે દોઢ કલાક ચર્ચા થઈ, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત બીજેપીના દિગ્ગજો હાજર રહ્યા

પ્રથમ તબક્કાના મતદાનમાં આવેલી ખાધને બીજા તબક્કામાં કઈ રીતે પૂરી કરવી અને કઈ રીતે મૅક્સિમમ વોટર્સને બહાર લાવવા એ દિશામાં આમ તો છેલ્લા ત્રણ દિવસથી બીજેપી દ્વારા વિચારવિમર્શ ચાલતો હતો, પણ ગઈ કાલે તો ગાંધીનગરના બીજેપીના કાર્યાલય ‘કમલમ્’ ખાતે એ માટે જ મીટિંગ થઈ અને દોઢ કલાકની એ ચર્ચામાં નિર્ણય લેવાયો કે બીજેપીનો જે ડેડિકેટેડ વોટર છે એને કોઈ પણ હિસાબે બહાર લાવવો અને મૅક્સિમમ વોટિંગ બપોર પહેલાં જ કરાવવું.

બીજેપીને કૉન્ફિડન્સ છે કે પાર્ટીની વિચારધારામાં માનનારો એનો વોટર વોટ આપશે તો માત્ર ને માત્ર બીજેપીને. અન્યથા તે વોટ આપવા બહાર નહીં નીકળે. જો તેને બહાર લાવવામાં આવે તો તે ચોક્કસ બીજેપીને જ વોટ કરે.

ગઈ કાલે થયેલી મીટિંગમાં આ જ વાત પર ચર્ચા થઈ, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને બીજેપીના અન્ય દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા અને કેવી રીતે આ ડેડિકેટેડ વોટર્સને બહાર લાવવા એ માટેની ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં એક તારણ બહુ સ્પષ્ટ રીતે બહાર આવ્યું કે પ્રથમ તબક્કાના મતદાનમાં ઑર્ગેનિક રીતે લોકો બહાર ન આવે તો કાર્યકરો દ્વારા લોકોને બહાર લાવવાની નીતિ રાખવાને બદલે સવારના આઠ વાગ્યાથી જ લોકોને બહાર લાવવાની પ્રક્રિયા બીજેપીના કાર્યકરો દ્વારા શરૂ કરી દેવી.

બીજા તબક્કાના મતદાન પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપી માટે અમદાવાદમાં જબરદસ્ત ગ્રાઉન્ડ ઊભું કરી આપ્યું છે ત્યારે તેમની મહેનત એળે ન ઊતરે અને સાવ હાંસિયા બહાર ધકેલાઈ ગયેલી કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીને સપાટી પર આવવા ન મળે એનું ધ્યાન રાખવાની ચર્ચા પણ ગઈ કાલની મીટિંગમાં થઈ હતી.

બીજેપીની કોર કમિટી સાથે સંકળાયેલા બીજેપીના એક સિનિયર નેતાએ ઑફ ધ રેકૉર્ડ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેટલું ઊંચું મતદાન એટલી બીજેપીની જીત વધારે ક્લિયર. અત્યારે આ જ થિયરી પર અમે કામ કરીએ છીએ.’

gujarat gujarat news gujarat elections gujarat election 2022 bharatiya janata party Gujarat BJP narendra modi Rashmin Shah