મોદીએ નાનકડી આધ્યાબાની વાત સાંભળવા સમય કાઢ્યો

23 November, 2022 10:03 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કાલીઘેલી ભાષામાં કડકડાટ રીતે બીજેપીની વાતો કરનારી રાજકોટની આધ્યાબા જાડેજાથી પ્રભાવિત થયા પીએમ

આધ્યાબા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની કમાન સંભાળનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમના ચૂંટણીપ્રચારના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે સુરેન્દ્રનગર પાસે દુધરેજમાં નાનકડી આધ્યાબા જાડેજાની વાત સાંભળવા માટે ખાસ સમય કાઢ્યો હતો અને નાનકડી દીકરીએ કહેલી બીજેપી માટેની વાતો સાંભળીને નરેન્દ્ર મોદી ખુશ થઈ ગયા હતા અને તેને શાબાશી આપી હતી.

પોતાની કાલીઘેલી ભાષામાં કડકડાટ રીતે બીજેપીની વાતો કરીને રાજકોટની આધ્યાબા જાડેજાથી નરેન્દ્ર મોદી પ્રભાવિત થયા હતા અને દીકરીને શાબાશી આપીને પોતાનો મોબાઇલ નીચે રાખીને ઑટોગ્રાફ આપ્યા અને પર્સનલી મળીને બાળચાહકને ખુશ કરી દીધી હતી.

લીંબડી વિધાનસભા બેઠકના બીજેપીના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘અમારાં ભાણીબા આધ્યાબા જાડેજા રાજકોટ રહે છે. તેણે મને કહ્યું કે મારે મોદીસાહેબને મળવું છે. મેં તેમને માટે કંઈક બનાવ્યું છે એ તેમને સંભળાવવું છે. મારે બીજેપીની વાત કહેવી છે. એટલે જ્યારે નરેન્દ્રભાઈ સુરેન્દ્રનગર પાસે દુધરેજ સભામાં આવ્યા ત્યારે મેં તેમને રિક્વેસ્ટ કરી હતી કે બે મિનિટ કામ હતું, અમારાં ભાણીબા છે તેમને આપને મળવું છે. ત્યારે નરેન્દ્રભાઈએ તરત હા પાડીને કહ્યું કે લઈ આવો. જેથી સ્ટેજ પાસે આધ્યાને લઈને હું નરેન્દ્રભાઈને મળવા ગયો હતો. આધ્યાએ તેમને બીજેપીની મુદ્દાસરની વાતો સંભળાવી હતી, એ સાંભળીને નરેન્દ્રભાઈ ખુશ થયા હતા અને તેને ઑટોગ્રાફ આપ્યા હતા.’

રાજકોટમાં રહેતી આધ્યાબા જાડેજાએ નરેન્દ્ર મોદી સમક્ષ બીજેપીની વાત કહી હતી, જેમાં તેણે કવિતાના ફૉર્મમાં ‘અમને તો ફાવશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ’ કહીને બીજેપીની વાતો કહી હતી. નરેન્દ્ર મોદી સમક્ષ આ વાત રજૂ કરતી આધ્યા જાડેજાની વિડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી.

gujarat gujarat news gujarat elections gujarat election 2022 bharatiya janata party Gujarat BJP narendra modi