વોટિંગ ઘટ્યું, ટેન્શન વધ્યું

02 December, 2022 08:16 AM IST  |  Ahmedabad | Rashmin Shah

પ્રથમ તબક્કાનું ઍવરેજ મતદાન ૬૦ ટકાની આસપાસ આવ્યું, જે ગઈ વિધાનસભા ઇલેક્શન કરતાં ઑલમોસ્ટ ૧૦ ટકા ઓછું છે. ઓછા થયેલા આ મતદાનને કારણે બીજેપીને ટેન્શન થયું છે. એ ટેન્શન વચ્ચે એને ખાતરી છે કે પાતળી બહુમતી સાથે સરકાર તો બીજેપીની જ બનશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગઇ કાલના અમદાવાદના ભવ્ય રોડ શોમાં જાણે આખું અમદાવાદ જ ઊમટ્યું હતું

પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું છે. પ્રથમ તબક્કામાં પાંચ વાગ્યા સુધી પ૬.૮૮ ટકા મતદાન થયું તો અંતિમ મિનિટોમાં થયેલા મતદાનને સાંકળીને કહેવું હોય તો કહી શકાય કે ઍવરેજ ૬૦ ટકા જેટલું મતદાન થયું છે. મતદાનની આ ટકાવારી જોયા પછી જો સૌથી પહેલું ટેન્શન કોઈને આવ્યું હોય તો એ બીજેપીને. શરૂઆતના તબક્કે વોટિંગની પૅટર્ન પહેલાંની જેમ જ રહેતાં બીજેપીમાં કૉન્ફિડન્સ આવી ગયો હતો કે એ ગઈ ટર્મ જેટલું જ વોટિંગ મેળવીને ૧૦૦થી ૧૧૦ બેઠક સુધી પહોંચી શકે છે, પણ જોઈએ એવું જોર બપોર પછી ન લાગતાં બીજેપીએ એને ચિંતાનો વિષય ગણ્યો છે. બીજેપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે ‘આ એક સ્પેસિફિક પૅટર્ન છે. અમને વિશ્વાસ છે કે જે કામ બીજેપીએ કર્યાં છે એ કામને ધ્યાનમાં રાખીને લોકો બીજેપીને જ પાછી લાવશે અને ગુજરાતમાં બીજેપીની સરકાર બનશે.’

બપોર સુધી ધીમી ધારે મતદાન થતાં બીજેપીએ રીતસરનું મિશન શરૂ કર્યું હતું અને લોકોને ઘરમાંથી બહાર લાવી-લાવીને મતદાન કરાવ્યું હતું.

સિટી વોટ પર રહ્યું ફોકસ

બીજેપીનો એક મોટો વર્ગ એવું માને છે કે સિટીના લોકો બીજેપીથી નારાજ હોવાની શક્યતા નકારી ન શકાય, પણ એ જે વર્ગ છે એ નારાજ થાય તો ઘરમાં બેસી રહે, પણ બીજાને મત ન આપે. ઘરમાં બેઠેલી એ વ્યક્તિને સમજાવીને જો ઘરમાંથી બહાર લઈ આવવામાં આવે તો એ મત બીજેપીને જ મળે. આ જ કારણસર બપોર પછી બીજેપીના કાર્યકરો એ કામે લાગી ગયા અને ઘરમાં રહેલા લોકોને મતદાન માટે બહાર લાવવા માંડ્યા. અલબત્ત, એ પછી પણ મતદાનનો આંકડો એ સ્તરે તો ન જ પહોંચ્યો જેનું અનુમાન બીજેપીએ રાખ્યું હતું.

બીજેપીના એક સિનિયર નેતા ‘મિડ-ડે’ને કહે છે, ‘પહેલાં એવું હતું કે ઓછું મતદાન હોય એ કૉન્ગ્રેસને ફાયદો કરે અને વધારે મતદાન હોય તો બીજેપીને ફાયદો થાય. હવે એવું નથી. પહેલાં ગામડાંના મતને કૉન્ગ્રેસનો અને સિટીના વોટને બીજેપીનો વોટ માનવામાં આવતો એવું પણ હવે નથી. જો રૂરલ વોટ બીજેપી સાથે ન હોત તો દોઢ વર્ષ પહેલાં ગયેલી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં ૯૦ ટકા રિઝલ્ટ બીજેપીની ફેવરમાં કેમ આવે. હવે એવું છે કે બહાર નીકળે એ વોટ બીજેપીનો, પણ માણસ બહાર નીકળવો જોઈએ.’

ઘટ સરભર કરો સેકન્ડ ફેઝમાં

પ્રથમ તબક્કામાં જે ૧૦ ટકા વોટની ખાધ ઊભી થવાની શક્યતા દેખાય છે એ ૧૦ ટકાની ઘટને બીજા તબક્કામાં કોઈ પણ હિસાબે પૂરી કરવાની તૈયારીમાં બીજેપી લાગી ગયું છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થતાં જ મહત્ત્વના સૌ નેતાઓને રાતે જ મધ્ય ગુજરાતના એ વિસ્તારોમાં પહોંચવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે જ્યાં સોમવારે ઇલેક્શન છે.

બીજેપીના સિનિયર નેતા પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે ‘અત્યારે જે મત પડ્યા છે એમાંથી પણ ૮૦ ટકા મત બીજેપીના છે એ ભૂલવાની જરૂર નથી, કારણ કે એક આખી એવી નવી પેઢી આવી ગઈ છે જેણે કૉન્ગ્રેસનું નામ સાંભળ્યું નથી અને ઝાડુ હાથમાં ઝાલ્યું નથી. સરકાર બીજેપીની આવશે એ નક્કી છે.’

નફામાં નુકસાનીની ધારણા

ગયા વિધાનસભા ઇલેક્શનમાં બીજેપીને ૯૯ બેઠક મળી હતી અને વર્ષ દરમ્યાન ૧૮ બેઠકનો ઉમેરો થયો હતો. પ્રથમ તબક્કાના મતદાનને ધ્યાનમાં રાખીને બીજેપીના ઍનલિસ્ટ નેતાઓનું માનવું છે કે જો આ જ પૅટર્ન કન્ટિન્યુ રહી તો પણ બીજેપીની જ સરકાર બનશે. હા, બહુમતી પાતળી હોઈ શકે છે. બીજેપીના મોટા ભાગના નેતાઓ પાર્ટીને ૧૧૦ બેઠકો મળે છે એવું દાવા સાથે કહે છે, પણ વોટિંગની પૅટર્ન જોતાં એવું અનુમાન મૂકતા થઈ ગયા છે કે બીજેપીને ૯પથી ૧૧૦ બેઠકો મળી શકે છે.

જો એવું બન્યું તો પછીનાં પાંચ વર્ષ દરમ્યાન બીજેપી તડજોડ કરીને પોતાની બેઠક ક્યાં વધારી નથી શકતી?

અમે અમારા કામથી સંતુષ્ટ છીએ

ગઈ કાલે થયેલા પ્રથમ તબક્કાના મતદાન પછી આમ આદમી પાર્ટી (એએપી-આપ)ના મુખ્ય પ્રધાનના ચહેરા એવા ઇસુદાન ગઢવીએ શાંતિનો શ્વાસ લીધો હતો અને બીજા તબક્કાના મતદાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઇસુદાને કહ્યું કે ‘અમને મળેલા સમયમાં અમને અમારા કામથી સંતોષ છે અને આ જ રીતે અમે અમારી કામગીરી ચાલુ રાખવાના છીએ. અમારો એકમાત્ર હેતુ છે, ભ્રષ્ટાચાર અને ભયમુક્ત ગુજરાત. અમે એ ગુજરાતની દિશામાં મક્કમતા સાથે આગળ વધીએ છીએ.’

અમને મળેલાં સમયમાં અમે અમારા કામથી સંતોષ છે અને આ જ રીતે અમે અમારી કામગીરી ચાલુ રાખવાના છીએ. અમારો એક માત્ર હેતુ છે, ભ્રષ્ટાચાર અને ભય મુક્ત ગુજરાત. : ઇસુદાન ગઢવી, આપ

અત્યારે જે મત પડ્યા છે એમાંથી પણ એંસી ટકા મત બીજેપીના છે એ ભૂલવાની જરૂર નથી. કારણ કે એક આખી એવી નવી પેઢી આવી ગઈ છે જેણે કૉન્ગ્રેસનું નામ સાંભળ્યું નથી અને ઝાડુ હાથમાં ઝાલ્યું નથી. : પરષોત્તમ રૂપાલા, બીજેપી

gujarat gujarat news gujarat elections gujarat election 2022 bharatiya janata party Gujarat BJP Gujarat Congress congress aam aadmi party Rashmin Shah