ગુજરાત કૉન્ગ્રેસની કમાન જગદીશ ઠાકોરના હાથમાં

04 December, 2021 01:22 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

હવે ગુજરાતમાં પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાની નવી જોડી કૉન્ગ્રેસ માટે કાર્યરત બનશે.

ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી થયા બાદ આ બન્ને નેતાઓને ગઈ કાલે ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, ગેનીબહેન ઠાકોર સહિતના કૉન્ગ્રેસના વિધાનસભ્યો, આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.

કૉન્ગ્રેસ હાઈ કમાન્ડે ગુજરાત કૉન્ગ્રેસની કમાન ૬૪ વર્ષના જગદીશ ઠાકોરના હાથમાં સોંપી છે ત્યારે ગુજરાતમાં ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને જગદીશ ઠાકોરે તીખા તેવર બતાવી બીજેપીને પડકાર આપતાં કહ્યું હતું કે કૉન્ગ્રેસ બીજેપીનો ભૂકો બોલાવી દેશે.
ગુજરાતના કૉન્ગ્રેસના વિધાનસભ્યોની ગઈ કાલે મળેલી બેઠકમાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકે સિનિયર લીડર સુખરામ રાઠવાની પસંદગી કરવામાં આવી છે. હવે ગુજરાતમાં પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાની નવી જોડી કૉન્ગ્રેસ માટે કાર્યરત બનશે.
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘પ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપી છે ત્યારે હાઈ કમાન્ડ અને ગુજરાતના આગેવાનોનો આભાર માનું છું. રાજનીતિ પાયામાંથી કરી છે. વૉર્ડ અને તાલુકાના કાર્યકરથી માંડીને આ પદ પર આવ્યો છું ત્યારે ગુજરાતની રાજનીતિની ધરતીને પણ હું ઓળખું છું. ગુજરાતની બીજેપીની રણનીતિને પણ ઓળખું છું અને કૉન્ગ્રેસની કેટલી તાકાત ને કાર્યકરોની ૨૭ વર્ષના શાસનમાં કિન્નાખોરીમાં એમની સાથે કેવો વ્યવહાર થયો એ પણ ઓળખું છું. આ બધું જોઈને સમગ્ર તાકાતથી કૉન્ગ્રેસને કામ કરવાની દિશા તરફ આગળ લઈ જવાનો પ્રયાસ કરીશ. ગુજરાતમાં કૉન્ગ્રેસ તાકાતથી બજારમાં નીકળવાની અને નીકળવાની. સીટો મૂકો, કૉન્ગ્રેસ બીજેપીનો ભૂકો બોલાવી દેશે.’
જગદીશ ઠાકોર ગઈ કાલે અમદાવાદ ઍરપોર્ટ પર આવ્યા ત્યારે કૉન્ગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઢોલનગારા સાથે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. 
મૂળ બનાસકાંઠાના જગદીશ ઠાકોરની ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ પાટણ લોકસભા બેઠક પરથી ૨૦૦૯થી ૨૦૧૪ સુધી સંસદસભ્ય રહી ચૂક્યા છે. આ પહેલાં તેઓ બે વખત ગુજરાતની દહેગામ વિધાનસભા બેઠક પરથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા.

gujarat news gujarat congress Gujarat Congress