સિંહોના સંરક્ષણ માટે ફાળવેલા 350 Cr.ની કામગીરી ઝડપથી પૂરી થશેઃCM રૂપાણી

12 June, 2019 07:47 AM IST  |  ગીર

સિંહોના સંરક્ષણ માટે ફાળવેલા 350 Cr.ની કામગીરી ઝડપથી પૂરી થશેઃCM રૂપાણી

સિંહોના સંરક્ષણ માટે સીએમ રુપાણીની જાહેરાત

 મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્ય સરકારે સિંહોનાં સંવર્ધન અને સંરક્ષણ માટે ૩૫૦ કરોડ રૂપિયાનું પૅકેજ તૈયાર કર્યું છે. એ પૅકેજની બધી કામગીરી સમયમર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા વન વિભાગના અધિકારીઓને સૂચના આપી છે. જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે સિંહ સદનમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વન પ્રધાન ગણપત વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાને જણાવ્યું કે ‘સિંહ એ ગુજરાતની વિશિષ્ટ ઓળખ છે અને ગુજરાત પ્રવાસન પ્રવૃત્તિમાં પણ સિંહ અને સાસણ ગીર અભયારણ્યનું મહત્ત્વ છે ત્યારે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં આવતા પર્યટકો વધુમાં વધુ સિંહદર્શન કરી શકે એ માટે દેવળિયા પાર્ક અને આંબરડીમાં યોગ્ય વ્યવસ્થા વન વિભાગે ઊભી કરી છે.’

આ સાથે જ રૂપાણીએ આંબરડીમાં સિંહદર્શન માટે પર્યટકોની સુવિધા માટે જરૂરી વૅનની વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું હતું. મુખ્ય પ્રધાને ગીરના વન અભયારણ્ય વિસ્તારમાં પેટ્રોલ, ડીઝલ વાહનની જગ્યાએ ટૂ‌રિસ્ટ માટે ઇલેક્ટ્રિકથી ચાલતાં વાહનોની પણ વ્યવસ્થા થાય એ જોવા ખાસ અનુરોધ કર્યો હતો. મુખ્ય પ્રધાને ગીર વન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે સિંહદર્શન અટકે એ માટે પણ સઘન પગલાં લેવા વન અધિકારીઓને સૂચનાઓ આપી હતી

આ પણ વાંચો: પ્લેન હાઇજૅકિંગની ધમકી આપનાર બિઝનેસમૅનને આજીવન કેદ અને પાંચ કરોડનો દંડ

મુખ્ય પ્રધાને લાયન પૅકેજની વિવિધ અગત્યની લાયન હૉસ્પિટલ, સિંહો માટે સઘન સારવાર કેન્દ્ર, સિંહો માટે અન્વેષણ, સંશોધન અને નિદાન કેન્દ્ર, ડ્રોનથી દેખરેખ, રેડિયો કોલરથી દેખરેખ, વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ માટે આધુનિક લાયન ઍમ્બ્યુલન્સ વૅન, સિંહો માટે કોરેન્ટાઇન સેન્ટર, શેત્રુન્જી ડિવિઝનની રચના, લાયન કન્ઝર્વેશન ઍક્ટિ‌વિટી સાથે સંકળાયેલ સ્ટાફની તાલીમ, રેસ્ક્યુ સેન્ટરનું સુદૃઢીકરણ, ઍ‌નિમલ એક્સચેન્જ, વેટરનરી કેડરની સ્થાપના, આઇ.સી.યુ. સારવાર કેન્દ્ર, રસીકરણ વગેરેની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

gujarat gujarati mid-day