પ્લેન હાઇજૅકિંગની ધમકી આપનાર બિઝનેસમૅનને આજીવન કેદ અને પાંચ કરોડનો દંડ

Jun 12, 2019, 07:34 IST

બિરજુ સલ્લાએ મુંબઈથી દિલ્હી જતી ફલાઇટને હાઇજૅક કરવાની ધમકી આપી હતી : તમામ પૅસેન્જરને ૨૫,૦૦૦ રૂપિયા વળતર ચૂકવવા હુકમ : કો-પાઇલટને ૧-૧ લાખ, ઍર-હૉસ્ટેસને ૫૦-૫૦ હજાર વળતર ચૂકવવાનો આદેશ

પ્લેન હાઇજૅકિંગની ધમકી આપનાર બિઝનેસમૅનને આજીવન કેદ અને પાંચ કરોડનો દંડ
બિસમેનને ભારે પડી ધમકી

ઑક્ટોબર ૨૦૧૭માં પ્લેન હાઇજૅકિંગનો ધમકીભર્યો પત્ર લખવા મામલે દોષિત ઠરેલા બિરજુ સલ્લાને અમદાવાદસ્થિત એનઆઇએ ર્કોટે આજીવન કેદ અને પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે. આ સિવાય ર્કોટે કો-પાઇલટને ૧-૧ લાખ વળતર અને ઍર-હૉસ્ટેસને ૫૦-૫૦ હજાર તથા તમામ પૅસેન્જરને ૨૫ હજારનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

મુંબઈથી દિલ્હી જતી જેટ ઍરવેઝની ફ્લાઇટમાં મળેલા ધમકીભર્યા પત્ર મામલે મુંબઈના બિઝનેસમૅન બિરજુ સલ્લા સામે ઍન્ટિ-હાઇજૅકિંગ ઍક્ટ હેઠળ ૨૦૧૭માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ૨૦૧૬ જુલાઈથી અમલમાં આવેલા આ કાયદા હેઠળ દેશભરમાં અમદાવાદમાં આ પહેલો ગુનો નોંધાયો હતો. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની અમદાવાદસ્થિત સ્પેશ્યલ કોર્ટે પ્લેન હાઇજૅકિંગના નવા કાયદા હેઠળ દેશમાં સૌપ્રથમ સજા બિરજુ સલ્લાને ફટકારી છે.

એનઆઇએ સ્પેશ્યલ ર્કોટના જજ એમ. કે. દવેએ સલ્લાને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી. જો ર્કોટના આ નિર્ણય સામે સલ્લાને ઉપલી ર્કોટમાં રાહત ન મળી તો તેણે આખી જિંદગી જેલમાં વિતાવવી પડશે.

૨૨ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સલ્લા સામે એનઆઇએ દ્વારા ઍન્ટિ-હાઇજૅકિંગ ઍક્ટ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સલ્લાએ મુંબઈથી દિલ્હી જતી ફ્લાઇટને હાઇજૅક કરવાની ધમકી આપી હતી અને એના કારણે પ્લેનને અમદાવાદમાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું. સલ્લાએ ધમકીભર્યો પત્ર પ્લેનના વૉશરૂમમાં સંતાડ્યો હતો જે સ્ટાફને હાથ લાગ્યો હતો. આ નોટમાં જણાવાયું હતું કે પ્લેનના કાર્ગો એરિયામાં બૉમ્બ છે અને એમાં અપહરણકારો પણ સવાર છે.


આ પણ વાંચો: વાયુ સાઈક્લોનઃ અહીં LIVE જુઓ, વાવાઝોડું કેટલે પહોંચ્યું

તપાસમાં બહાર આવ્યું હતું કે મુંબઈથી બિઝનેસ ક્લાસમાં સવાર થયેલા સલ્લાએ ઇંગ્લિશ અને ઉર્દૂમાં એક નોટ બનાવી હતી અને એને ઇરાદાપૂર્વક પ્લેનના ટૉઇલેટના ટિશ્યુ પેપર બોક્સમાં મૂકી દીધી હતી. સલ્લાનો લખેલો આ પત્ર મળતાં જ પ્લેનમાં સવાર પૅસેન્જરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એનઆઇએએ ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે આ હરકતથી સલ્લા ઍરલાઇનને બદનામ કરી એને બંધ કરાવવા માગતો હતો અને આમ કરી તે આ ઍરલાઇનમાં કામ કરતી પોતાની એક ફ્રેન્ડને પાઠ ભણાવવા માગતો હતો. ૨૦૧૬માં પ્લેન હાઇજૅકિંગને લગતો કાયદો ખૂબ જ કડક બનાવાયો છે. પ્લેન હાઇજૅક કરવાની ધમકી આપવી પણ કડક સજાપાત્ર ગુનો છે જેમાં આજીવન કેદની સજા થઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK