ગુજરાતના મુખ્ય પ્રધાને મોડાસામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી

16 August, 2022 10:01 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતાં મોંઘવારી ભથ્થાંમાં ત્રણ ટકાનો વધારો આપવાનો નિર્ણય  

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે મોડાસામાં ધ્વજવંદન કરીને સલામી આપી હતી.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ૭૬મા સ્વતંત્ર પર્વની ઉજવણીમાં તિરંગો લહેરાવીને તેને સલામી આપીને ગુજરાત સહિત દેશભરના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.એટલું જ નહીં, પરંતુ ગુજરાત સરકારના કર્મચારીઓ–પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો આપવાનો નિર્ણય કરાયો છે.

ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે ‘આઝાદીની લડાઈનું નેતૃત્વ ગુજરાતની ધરાના બે સપૂતો ગાંધીજી અને સરદારસાહેબે લીધું હતું. સાથે-સાથે સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, અશફાક, ચંદ્રશેખરઆઝાદ, લાલ – બાલ – પાલ, શ્યામજી કૃષ્ણ વર્મા, મૅડમ કામા, સરદાર સિંહ રાણા જેવા ક્રાન્તિકારીઓના સાહસે પણ બ્રિટિશ હુકૂમતના ગઢમાં ગાબડાં પાડ્યાં હતાં,, એટલું જ નહીં, સરદારસાહેબે આઝાદી બાદ ભારતને ભૌગોલિક રીતે એક કરવાનું કામ કર્યું. આઝાદીનાં ૭૫ વર્ષ પછી આજે ભારત જ્યાં ઊભું છે, ભારતે જે પ્રગતિ કરી છે એના પાયામાં આ સ્વતંત્રવીરોનું બલિદાન જ છે.’

આ તબક્કે તેઓએ કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ઊજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવે દેશભરમાં એક નવી ચેતના, નવી પ્રેરણા, નવા ઉમંગનો સંચાર કર્યો છે. વડા પ્રધાનના આહવાનને ઝીલી લઈને કરોડો ગુજરાતીઓએ હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવ્યું છે.’

આ પ્રસંગે ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા સહિત આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપમાં બેસીને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યાર બાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા હતા.

gujarat gujarat news independence day bhupendra patel