ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહેલી વાર મુંબઈની મુલાકાતે

01 December, 2021 08:20 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આમંત્રણ આપવા તેઓ આવતી કાલે આવી રહ્યા છે, પણ તેમની આ વિઝિટથી રાજ્ય બીજેપી છે સાવ અજાણ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહેલી વાર મુંબઈની મુલાકાતે

ગુજરાતમાં કોરોના કન્ટ્રોલમાં આવ્યા બાદ જાન્યુઆરી-૨૦૨૨માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે ત્યારે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઉદ્યોગકારો ગુજરાતમાં તેમના વેપાર-ધંધાનું રોકાણ કરે એ માટે તેમને મળવા તેમ જ વાઇબ્રન્ટ ગુજરાત વિશે જાણકારી આપવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે મુંબઈમાં બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે અને ગુજરાતનું વિઝન રજૂ કરશે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ અંતર્ગત આવતી કાલે મુંબઈમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તાજમહલ પૅલેસ હોટેલમાં બિઝનેસ લીડર્સ અને અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક કરશે. સવારે ૧૧ વાગ્યે ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ રજૂ કરશે. ગુજરાતના મુખ્ય પ્રધાન અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઈમાં વિવિધ રાષ્ટ્રોના કૉન્સ્યુલેટ જનરલની ભોજન-બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જોકે નવાઈની વાત એ છે કે મુંબઈ કે મહારાષ્ટ્ર બીજેપીને ગુજરાતના મુખ્ય પ્રધાનની આ મુલાકાત વિશે ગઈ કાલ રાત સુધી જાણ નહોતી. 

Mumbai mumbai news bhupendra patel gujarat cm gujarat news maharashtra