રખડતાં ઢોર નિયંત્રણ વિધેયક પાછો ખેંચાશે

20 September, 2022 08:47 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

છેલ્લા કેટલાક દિવસોથી માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ વિધેયક સામે વિરોધ કરાઈ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ગુજરાત સરકાર થોડા સમય પહેલાં ગુજરાત વિધાનસભામાં પસાર કરેલો રખડતાં ઢોર નિયંત્રણ વિધેયક પાછો ખેંચે એવી વિગતો બહાર આવી છે. જોકે ગુજરાત સરકારે આ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

છેલ્લા કેટલાક દિવસોથી માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ વિધેયક સામે વિરોધ કરાઈ રહ્યો છે. રવિવારે ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા જાહેર સભા પણ કરવામાં આવી હતી અને એમાં શહેરી ઢોર નિયંત્રણ કાયદાને નાબૂદ કરવા માગણી બુલંદ કરી હતી. આ ઉપરાંત ૨૧ સપ્ટેમ્બર બુધવારે સમગ્ર ગુજરાતમાં માલધારીઓ દ્વારા એક દિવસની દૂધની હડતાળ જાહેર કરી છે. આ દિવસે માલધારીઓ ડેરીઓમાં તેમ જ ઘરે-ઘરે દૂધ આપવા નહીં જાય. માલધારી સમાજ દ્વારા ઉગ્ર લડત ચલાવવામાં આવી રહી છે અને એક પછી એક કાર્યક્રમ પણ જાહેર કરી રહ્યા છે ત્યારે બિનસત્તાવાર રીતે એવી વિગત બહાર આવી છે કે રાજ્યપાલે આ વિધેયક પુનઃ વિચારણા માટે પાછો કર્યો છે. ગુજરાતમાં આગામી દિવસોમાં મળનારી વિધાનસભામાં આ વિધેયક ગુજરાત સરકાર પાછો ખેંચશે એવું ચર્ચાઈ રહ્યું છે.

gujarat gujarat news ahmedabad