01 May, 2025 02:09 PM IST | Junagadh | Gujarati Mid-day Correspondent
જૂનાગઢમાં ગેરકાયદે મકાનોને તોડી પાડવામાં આવ્યાં હતાં.
ગુજરાતમાં ગેરકાયદે બનાવી દીધેલાં મકાનો પર ગુજરાત સરકારનું બુલડોઝર ચાલી રહ્યું છે એમાં ગઈ કાલે સૌરાષ્ટ્રના ઐતિહાસિક નગર જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લા પાસે બનાવી દીધેલાં ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યાં હતાં.
જૂનાગઢના ઉપરકોટ કિલ્લાના પાછલા ભાગે ધારાગઢ દરવાજા, ભવનાથ વિસ્તારમાં વહેલી સવારથી મેગા ડિમોલિશન શરૂ થયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ૫૦ અધિકારીઓ સહિત ૩૫૦થી વધુ પોલીસ-કર્મચારીઓનો બંદોબસ્ત રખાયો હતો અને ૧૦ બુલડોઝર સહિતની મશીનરી સાથે એક પછી એક ૬૦ જેટલાં ગેરકાયદે મકાનોને તોડી પડાયાં હતાં. આ સ્થળે લિસ્ટેડ બૂટલેગર, ડ્રગ્સનો કારોબાર કરતા આઠ જેટલાં અસામાજિક તત્ત્વો સહિતના માથાભારે લોકોએ ગેરકાયદે તેમની મિલકતો ઊભી કરી હતી એ પણ તોડી પાડવામાં આવી હતી. પોલીસ-અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને કાર્યવાહી પર દેખરેખ રાખી હતી.
બીજી તરફ અમદાવાદના ચંડોળા તળાવમાં ઊભાં થયેલાં ગેરકાયદે બાંધકામો તોડવાની કાર્યવાહી સતત બીજા દિવસે પણ હાથ ધરાઈ હતી. બે દિવસમાં કુલ ૪૦૦૦ જેટલાં ગેરકાયદે કાચાં-પાકાં રહેણાક અને કમર્શિયલ બાંધકામોને તોડી પાડીને ૧.૫ લાખ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.