14 August, 2025 11:50 AM IST | Banaskantha | Gujarati Mid-day Correspondent
થાનાભાઈ ડોડિયા
ગુજરાતના સરહદી બનાસકાંઠા જિલ્લાના જલોયા ગામના સરપંચ થાનાભાઈ ડોડિયાને સ્વતંત્રતા દિનની ઉજવણી માટે ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાનારા ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપશે. ઑપરેશન સિંદૂર દરમ્યાન સશસ્ત્ર દળોને મદદ પૂરી પાડવામાં તેમના ગામે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રહેવાસીઓએ સશસ્ત્ર દળોને મશીનરી અને મજૂરી પૂરી પાડી હતી.
જલોયા ગામ ભારત-પાકિસ્તાન સરહદથી લગભગ ૨૦ કિલોમીટર દૂર આવેલું છે. આ આમંત્રણના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે ‘મને ૧૫ ઑગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ખાતે વડા પ્રધાનની હાજરીમાં યોજાનારા સ્વતંત્રતા સમારોહમાં ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. હું ભારત સરકાર, ગુજરાત સરકાર અને અધિકારીઓનો હૃદયથી આભાર માનું છું. ઑપરેશન સિંદૂર પછી આ પહેલો કાર્યક્રમ છે જેમાં મને સરહદી વિસ્તારમાં મારા છેલ્લા ગામના સરપંચ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઑપરેશન સિંદૂરમાં યુદ્ધ દરમ્યાન જ્યારે મશીનોની જરૂર હતી ત્યારે અમે મશીન આપ્યાં હતાં અને જ્યારે મજૂરોની જરૂર હતી ત્યારે લોકો તૈયાર ઊભા હતા. આ વાતને ધ્યાનમાં રાખીને અમને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોદીજીએ છેલ્લા ગામના સરપંચને આ તક આપી છે. હું એ માટે તેમનો આભારી છું.’
તેમણે એમ પણ કહ્યું હતું કે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)એ ગામ સાથે ગાઢ સંકલન જાળવી રાખ્યું છે.