ગુજરાત બોર્ડ ધોરણ 12 સામન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા

15 June, 2020 03:29 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત બોર્ડ ધોરણ 12 સામન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12નું પરિણામ 76.29 ટકા આવ્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. આ વર્ષનું પરિણામ છેલ્લા આઠ વર્ષનું સૌથી ઊંચુ પરિણામ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

માર્ચ 2020ની પરીક્ષા માટે 5,27,140 વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા હતા. જેમાંથી અંદાજે પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામના આંકડા મુજબ, કુલ  82 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે. જ્યારે 70.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. કુલ પરિણામ 76.29 ટકા છે. કુલ 1,38,808 વિદ્યાર્થીઓ અને 1,44,816 વિદ્યાર્થિનીઓ પરિણામ મેળવવાને પાત્ર થયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ 76.04 ટકા નોંધાયું છે જયારે ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ 78.70% નોંધાયુ છે. એટલું જ નહીં, આ વર્ષે શહેરી વિસ્તારો કરતા ગ્રામીણ કેન્દ્રો મેદાન મારી ગયા છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 522 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 10,945 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 39,848 વિદ્યાર્થીઓએ B-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 77, 746 વિદ્યાર્થીઓએ કુલ B-2, જ્યારે 94,378 વિદ્યાર્થીઓએ C-1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ પરિણામ સુરતમાં અને ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લાનું આવ્યું છે. સૌથી વધુ પરિણામ 97.76 ટકા બનાસકાંઠાના સૌની કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ગીર-સોમનાથના ડોળાસા કેન્દ્રનું 30.21 ટકા આવ્યું છે. 269 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે અને 56 શાળાઓનું પરિણામ 10 ટકા કરતા ઓછું આવ્યું છે.

વિદ્યાર્થીઓ હાલમાં માત્ર ઓનલાઈન જ પરિણામ જોઈ શકે છે. માર્કશીટ ક્યારે મળશે તે માટે બોર્ડ દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવશે.

gujarat ahmedabad gandhinagar junagadh surat 12th exam result