મિશન ૧૫૦ માટે ૧૫૦ દિવસો

17 May, 2022 08:34 AM IST  |  Mumbai | Shailesh Nayak

ગુજરાત બીજેપીની બે દિવસીય ચિંતન શિબિર યોજાઈ, અમિત શાહે આપ્યું માર્ગદર્શન, વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્ય બીજેપીએ રાખ્યો છે

ગુજરાત બીજેપીની ચિંતન બેઠકને સંબોધી રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતના પક્ષના આગેવાનો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામાં યોજાવાની છે ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળા પાસે યોજાયેલી ગુજરાત બીજેપીની બે દિવસીય ચિંતન બેઠકમાં ચૂંટણીનું ચિંતન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ ચૂંટણીમાં બીજેપીના વિવિધ મોરચા મહત્ત્વનો રોલ ભજવશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાત સરકારના પ્રવકતા પ્રધાન જિતુ વાઘાણીએ અને ગુજરાત બીજેપીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સમાં ચિંતન બેઠકની વિગતો આપતાં કહ્યું હતું કે બીજેપી અજેય રીતે જનતાના આશીર્વાદ અને પ્રેમથી જીતતી આવી છે ત્યારે એ સતત વિજયરથ જળવાઈ રહે તે માટે બીજેપી કેટલાંક કરવાનાં કામ કરશે. વર્ષ ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૭ અને ૨૦૧૯ની ચૂંટણીનું વિશ્ળેષણ કરવામાં આવ્યું અને એના આધાર પર કઈ સીટોમાં કઈ જગ્યાએ બીજેપી વિપક્ષના અપપ્રચારની સામે ખાળવામાં ક્યાં શું કરી શકાય, જ્યાં મજબૂતાઈથી બીજેપીનો વિચાર છે ત્યાં વધુ બળવત્તર બનાવવાની યોજનાઓ બની છે. તમામ મોરચાઓ જેમાં યુવા મોરચો, મહિલા, કિસાન, બક્ષી પંચ, આદિજાતિ મોરચા સહિતના મોરચાઓનો અલગ અલગ ક્ષેત્રે ટાસ્ક નક્કી થયો છે અને એ પ્રમાણે મોરચાઓ પાર્ટીને પૂરક બનીને આગામી દિવસોમાં ચૂંટણીમાં મહત્ત્વનો રોલ ભજવશે.

તેઓએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કાર્યકરની ભૂમિકામાં બેઠકમાં સાથે મળીને ઇન્વોલ્વ થઈને બીજેપીનો વિચાર પહોંચાડાય માટે ચર્ચા થઈ, દિશા નક્કી થઈ.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ૧૫૦ દિવસો બાકી છે ત્યારે આવનારી ચૂંટણીમાં ૧૫૦ બેઠકોથી વધુ બેઠકો જીતવાનો લક્ષ્ય બીજેપીએ રાખ્યો છે ત્યારે આ ચિંતન બેઠકમાં ગુજરાતમાં વિધાનસભાની બેઠકો વધારવા માટેના રોડ-મૅપ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં બેઠકો વધે, બીજેપીનું ત્યાં પ્રભુત્વ વધે તે અંગે પણ ચિંતન થયું હતું.

આ ચિંતન બેઠકમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, સુરેન્દ્ર પટેલ, ગુજરાતના સહપ્રભારી સુધીર ગુપ્તા અને બીજેપીના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

gujarat gujarat news bharatiya janata party Gujarat BJP amit shah