Gujarat: વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામનો કર્યો ખુલાસો 

26 March, 2024 05:49 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી (Gujarat Assembly By Election) માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે, આ સાથે જ વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ મતદાન થશે.

વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી (પ્રતીકાત્મક તસવીર)

Gujarat Assembly By Election: ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ચાર ધારાસભ્યોને ટિકિટ આપી છે. આ સાથે અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે વિજાપુરમાંથી ચતુરસિંહ ચાવડા, પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા, માણાવદરમાંથી અરવિંદ લાડાણી, ખંભાતમાંથી ચિરાગ પટેલ અને વાઘોડિયામાંથી ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલાને ટિકિટ આપી છે.

મતદાન ક્યારે થશે

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી(Gujarat Assembly By Election)ની તારીખોની જાહેરાત કરી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. આ સાથે વિધાનસભા પેટાચૂંટણી માટે પણ મતદાન થશે. પરિણામ 4 જૂને આવશે. વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ 156 બેઠકો જીતી હતી. આ દરમિયાન કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી. પ્રથમ વખત આમ આદમી પાર્ટી પાંચ સીટો પર સફળ રહી હતી.

ભાજપ લોકસભા ચૂંટણી માટે તૈયાર છે

અત્રે એ પણ જણાવી દઈએ કે ભાજપે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે લોકસભા ચૂંટણીમાં 14 નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. 12 સાંસદો રિપીટ થયા છે. પાર્ટીએ આ મામલે ગત ચૂંટણીમાં છની સરખામણીમાં ચાર મહિલા ઉમેદવારો ઉતારી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં BJPના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે તો આ  પહેલાં કૉન્ગ્રેસે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાને જાહેર કર્યા હતા, પરંતુ રોહન ગુપ્તાએ ગયા મંગળવારે પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને ઉમેદવાર તરીકે હટી ગયા હતા અને શુક્રવારે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.ચૂંટણી લડવા માટે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ પડાપડી કરતા હોય છે અને ટિકિટ મેળવવા માટે ધમપછાડા કરતા હોય છે, પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કૉન્ગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે કેટલાક નેતાઓએ નામ જાહેર થાય એ પહેલાં જ ચૂંટણીમાં ઉમેદવારી કરવાથી પોતાની જાતને દૂર કરી રહ્યા છે. જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના કેટલાક નેતાઓએ એક યા બીજાં કારણોસર ચૂંટણી લડવાની ના પાડી છે. 

 

bharatiya janata party gujarat news ahmedabad porbandar