ગંગાની જેમ હવે નર્મદા મૈયાની પણ સામૂહિક આરતી ઉતારાશે

09 June, 2021 02:23 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે વડા પ્રધાન મોદીનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થશે

નર્મદા મૈયાની આરતી ઉતારવા માટે બની રહેલો નર્મદા નદી પરનો ઘાટ. અહીંથી સહેલાણીઓને સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઑફ યુનિટીની પ્રતિમાની ઝાંખી થશે.

દેશ અને દુનિયામાં આગવી ઓળખ ઊભી કરનાર સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે હવે ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની સામૂહિક સાંધ્ય આરતીનો આધ્યાત્મિક દિવ્યદર્શનનો અનેરો લહાવો ટૂંક સમયમાં સહેલાણીઓને મળશે. નર્મદા નદીની રોજેરોજ આરતી ઉતારીને તેમની પૂજા-અર્ચના કરવા માટેનો પ્રોજેક્ટ તેના અંતિમ ચરણમાં છે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે એક પછી એક આકર્ષણનો ઉમેરો થતો જઈ રહ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થવા તરફ આગળ વધી રહ્યો છે. ભારતમાં નદીઓની આરતી ઉતારીને તેના ગુણગાન ગાવાનો મહિમા છે અને હરિદ્વાર, વારાણસી સહિતનાં સ્થળોએ ગંગા મૈયાની આરતી થાય છે અને તેમાં શ્રદ્ધાળુઓ સામેલ થાય છે. આવી રીતે ગુજરાતમાં નર્મદા મૈયાની આરતી થાય અને પ્રવાસીઓ પણ તેમાં જોડાય તેવા શુભત્વ સાથે પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. આ પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે ગુજરાતમાં આવું પહેલી વાર બનશે કે જેમાં નર્મદા નદીની રોજેરોજ સામૂહિક સાંધ્ય આરતી ઉતારવામાં આવશે.

સ્ટેચ્યુ ઑફ યુનિટીના સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નર્મદા નદીની રોજ આરતી યોજાય તે માટે કેવડિયા સામે ગોરા ગામ પાસે ડૂબાડૂબ બ્રિજ નજીક નર્મદા ઘાટ બની રહ્યો છે. આ નર્મદા ઘાટ હવે પૂર્ણતાના આરે છે. અંદાજે ૬૦થી ૭૦ મીટર લાંબો આ ઘાટ બનશે. આ ઘાટ પર નર્મદા નદીનાં ખળ-ખળ વહેતાં પાણીની સાથે રોજ સાંજે વિધિવિધાન સાથે મા નર્મદાની સામૂહિક આરતી ઉતારવામાં આવશે.’ 

gujarat ahmedabad shailesh nayak