અરવલ્લીના પર્વતો વચ્ચે આવેલા કોટેશ્વરને બનાવાશે યાત્રાધામ

16 June, 2021 02:07 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

અંબાજી નજીક આવેલા પૌરાણિક શિવાલય એવા કોટેશ્વર મહાદેવ મંદિર પરિસરને વિકસાવાશે : સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન ગણાતા કોટેશ્વર ખાતે ગંગા આરતીની જેમ સરસ્વતી આરતીનું આયોજન અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયું

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી પાસે આવેલા પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિરનો વિકાસ કરવામાં આવશે. ડુંગરની વચ્ચે આવેલું કોટેશ્વર મહાદેવ મંદિર છે.

ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા કોટેશ્વરનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવશે. શક્તિપીઠ અંબાજી પાસે આવેલા પૌરાણિક શિવાલય એવા કોટેશ્વર મહાદેવ મંદિર પરિસરને વિકસાવવાની યોજના હાથ ધરાઈ છે, એટલું જ નહીં, સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન ગણાતા કોટેશ્વર ખાતે ગંગા આરતીની જેમ સરસ્વતી આરતીનું આયોજન કરીને ભાવિકોને ભક્તિમાં ભાવવિભોર કરવા સાથે દિવ્યતાનાં દર્શન કરાવવા કવાયત હાથ ધરાઈ છે.

જે માઇભક્તો અંબાજી જાય છે તેઓ પૈકીના મોટા ભાગના માઇભક્તો અંબાજી નજીક આવેલા કોટેશ્વર ખાતે અચૂક જાય જ છે. આ કોટેશ્વર ધામ અતિ પૌરાણિક શિવાલય છે તેમ જ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિર તથા એના પરિસરમાં યાત્રીઓ માટે પાયાની સુવિધાઓ, પાર્કિંગ, મંદિર તથા આશ્રમ સુધી જવાનો રસ્તો, સ્ટ્રીટલાઇટ, પીવાના પાણીની વ્યવસ્થા વગેરે સુવિધા ઊભી કરવાનું આયોજન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. હયાત કોટેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મંદિરનું રિનોવેશન તથા બિનજરૂરી સ્ટ્રક્ચર કાઢી નાખી મંદિર પરિસર જગ્યા મોટી કરીને બાગ, વિસામો વગેરેની સુવિધા વિકસાવવા, ગૌમુખની જગ્યાએ ગૌમુખ તથા પાણીના કુંડનું રિનોવેશન તથા વધારાનો એક કુંડ બનાવવા, ધર્મશાળાનું જર્જરિત માળખું કાઢી નાખી સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાનનું ધાર્મિક મહત્ત્વ દર્શાવતી થીમ પર સરસ્વતી માતાજીની મૂર્તિ તથા અન્ય ડેવલપમેન્ટ, આશ્રમવાળી જગ્યાએ હયાત મંદિરો તથા સ્ટ્રક્ચરોનું રિનોવેશન, આયુર્વેદિક પુસ્તકોની લાઇબ્રેરી, ગૌશાળાનું ડેવલપમેન્ટ, આયુર્વેદિક ઉદ્યાન બનાવવા સહિતનાં કામ હાથ ધરવાનું આયોજન પ્રાથમિક તબક્કે વિચારાયું છે. 

કોટેશ્વર ધામના વિકાસ માટે સ્થાપત્યના વિશેષજ્ઞ આર્કિટેક્ટ સી. બી. સોમપુરા કોટેશ્વરનું પ્લાનિંગ કરશે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ કહ્યું હતું કે ‘કોટેશ્વર મંદિરનો વિકાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં ગંગા આરતીની જેમ જ કોટેશ્વર ખાતે સરસ્વતી આરતીનું આયોજન થાય એવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે.’

gujarat ahmedabad shailesh nayak