નિત્યાનંદ આશ્રમ વિવાદઃ યુવતીએ કહ્યું કે મારે મરજીથી આશ્રમમાં રહેવું છે

17 November, 2019 07:50 AM IST  |  Ahmedabad

નિત્યાનંદ આશ્રમ વિવાદઃ યુવતીએ કહ્યું કે મારે મરજીથી આશ્રમમાં રહેવું છે

સ્વામી નિત્યાનંદ

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બૅન્ગલોરસ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદના આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો જેના પગલે ગઈ કાલે રાતે યુવતીનાં માતા-પિતા અમદાવાદના આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો. આ સંજોગોમાં માતા-પિતાએ આરોપ મૂક્યો છે કે સ્વામી નિત્યાનંદે મારી પુત્રીની હત્યા કરી છે અથવા તો નિત્યાનંદ એને ભગાડીને વિદેશ લઈ ગયો છે અને તેને અજ્ઞાત જગ્યાએ રાખવામાં આવી છે. આ બાજુ કેસમાં આજે નવો ખુલાસો થયો છે. પોલીસે આ પીડિતા સાથે હાઈક મેસેન્જરથી વાત કરી જેમાં પીડિતાએ કહ્યું છે કે ‘હું મારી મરજીથી આશ્રમમાં રહેવા માગું છું. જો મને બળજબરીથી લઈ જવામાં આવશે તો તે મારી મરજી વિરુદ્ધ ગણાશે.’
અત્રે જણાવવાનું કે માતા-પિતાનો આરોપ છે કે તેમની દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ પણ કરાયો છે. જોકે તેમની દીકરીએ આ દાવાઓને ફગાવી દીધો છે. દંપતીની બંને દીકરીઓ વયસ્ક છે. એક દીકરીએ આશ્રમમાં જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે જ્યારે બીજી દીકરી પ્રવાસમાં હોવાથી સંપર્ક થશે પછી વિશેષ માહિતી મળશે. જોકે યુવતીએ પોતે સલામત હોવાના તેમ જ તેને ખોટી રીતે હેરાન કરવામાં આવતી હોવાના વીડિયો જાહેર કર્યા છે.
આ મામલે તપાસ પછી પોલીસે સત્તાવાર નિવેદન આપતા કહ્યું છે કે ‘અમને બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાની અને તેમની સાથે ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ છે. આ મામલે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીનો રિપોર્ટ બાકી છે. નિવેદન પછી કહી શકાય છે કે પ્રાથમિક રીતે કોઈ ગેરરીતિ નથી થઈ પણ તપાસ ચાલી રહી છે અને જો એમાં કોઈ વધારે માહિતી મળશે તો ચોક્કસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આશ્રમ વિરુદ્ધ પોલીસને કોઈ ફરિયાદ હજી નથી મળી. જ્યાં સુધી યુવતીનો મામલો છે ત્યાં સુધી તે ૧૮ વર્ષની છે એટલે તે સ્વેચ્છાએ જ્યાં જવું હોય ત્યાં જઈ શકે અને આશ્રમના સંચાલકોએ આપેલી માહિતી પ્રમાણે યુવતી અત્યારે ટ્રાવેલિંગમાં છે અને સંપર્ક થશે એટલે વાત થશે. હવે યુવતી પરત આવે પછી જ આ મામલામાં વધારે તપાસ થશે. યુવતી ગુમ છે એમ નહીં કહીં શકાય પણ સંપર્ક થશે ત્યારે આગળ કાર્યવાહી થશે. અત્યાર સુધી બાળકોએ કોઈ ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નથી કરી. આ મામલામાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની તપાસ ચાલી છે. આ આશ્રમશાળા શિક્ષણના હેતુથી ચાલુ કરાઈ છે. અત્યારે બાળાઓ પોતાની રીતે ગઈ છે અને ૧૮ વર્ષથી વધારે વયની હોવાના કારણે કોઈ કાર્યવાહી ન થઈ શકે.’

આ પણ જુઓઃ Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

નિત્યાનંદનું વધુ એક કરતૂત...
અંધ બાળકોને ત્રીજી આંખનું કહી બાળકો પર પ્રયોગ કરાતો હતો
અમદાવાદમાં નિત્યાનંદની વધુ એક કરતૂતનો ખુલાસો થયો છે. અમદાવાદની દિવ્યાંગો માટે કામ કરતી જાણીતી સંસ્થા અંધજન મંડળે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે થોડા સમય પહેલાં અંધજન મંડળના ૮૨ અંધ બાળકો પર નિત્યાનંદ સ્વામીના અનુયાયીઓએ એક પ્રયોગ કર્યો હતો. જેમાં અંધ બાળકોને ત્રીજી આંખનું કહી બાળકો પર પ્રયોગ કરાયો હતો. ત્રીજી આંખથી બાળકોને દેખતા કરવાનો પ્રયોગ આશ્રમ દ્વારા કરવામાં આવ્યો હતો.
પરંતુ અંધજન મંડળના સત્તાધીશોને તથ્ય ન જણાતા સાધુઓને પ્રયોગ કરતા અટકાવ્યા હતા. મંડળે સનસનીખેજભર્યા દાવામાં જણાવ્યું છે કે બાળકોને વશમાં કરવા માટે આશ્રમ દ્વારા પ્રયાસ કરાયો હતો, પરંતુ સત્તાધીશોની સતર્કતાથી નિત્યાનંદથી બાળકો બચી શક્યા હતા. હાલ અન્ય લોકો પણ નિત્યાનંદના ભ્રમમાંથી સાવચેત રહે તેવી અંધજન મંડળ દ્વારા અપીલ કરાઈ છે.

gujarat ahmedabad