રાજીનામું ધરી દેનારા બીજેપીના વિધાનસભ્ય કેતન ઈનામદારનો યુ-ટર્ન, કહ્યું.

24 January, 2020 10:16 AM IST  |  Ahmedabad

રાજીનામું ધરી દેનારા બીજેપીના વિધાનસભ્ય કેતન ઈનામદારનો યુ-ટર્ન, કહ્યું.

કેતન ઈનામદાર

પોતાના વિસ્તારમાં કામો નહીં થતાં હોવાની ફરિયાદ આગળ ધરીને વિધાનસભ્યપદેથી રાજીનામું આપી દેનાર ગુજરાત બીજેપીના વિધાનસભ્ય કેતન ઈનામદારે ગઈ કાલે યુ-ટર્ન લીધો હતો અને કહ્યું હતું કે મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન સહિત સરકારનો અભિગમ પૉઝિટિવ છે.

બુધવારે કેતન ઈનામદારના રાજીનામા બાદ રાતભર બીજેપીએ ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરી ઘીના ઠામમાં ઘી પડી રહે એવા પ્રયાસ આદર્યા હતા. આ પ્રયાસો બાદ ગુજરાતના સાવલીના વિધાનસભ્ય કેતન ઈનામદારે ગઈ કાલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, ગૃહ રાજ્ય પ્રધાન, એજ્યુકેશન પ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ આ બધાએ ભેગા મળીને ગઈ કાલથી અત્યાર સુધી આપણી સાથે આપણી વાતનને સ્વીકારી કંઈક ને કંઈક પૉઝિટિવ અભિગમ અપનાવ્યો છે તો હું આશા રાખું છું કે કંઈક ને કંઈક સારું રિઝલ્ટ નીકળે. સકારાત્મક–પૉઝિટિવ અભિગામ સરકારનો છે. અધિકારીઓ જ્યારે વિધાનસભ્ય કે સંસદસભ્યની ગરીમા જાળવતા નથી તો તેમના પર આવા અધિકારીઓ હોય જે પોતાની મનમાની કરતા હોય એવા અધિકારીઓને પણ સ્ટ્રીકલી કંઈક ને કંઈક રીતે પનીશમેન્ટ મળે, કાં તો તેમને સૂચના મળે કે અધિકારીઓ પદાધિકારીઓનું માન-સન્માન જાળવે. આ બધી બાબતોમાં બધા પૉઝિટિવ છે.’

કેતન ઈનામદારે વધુમાં કહ્યું હતું કે ‘જે રીતે મોવડીઓ મારી સાથે ચર્ચા કરી રહ્યા છે અને પૉઝિટિવ અભિગમ અપનાવી રહ્યા છે તો મને લાગે છે કે ૧૦૦ ટકા સારું નિરાકરણ આવશે. સરકારના તમામ પ્રધાનોએ મારી વાતને પૉઝિટિવ રીતે લીધી છે.’

ઇનામદારના રાજીનામાથી રાજકારણમાં ભૂકંપ, જિતુ વાઘાણીની તબિયત લથડી

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો. ઇનામદારને મનાવવાના આવ્યા હતા. બીજી તરફ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની તબિયત લથડી છે. તેમના નિવાસસ્થાને તબીબોને બોલાવવામાં આવ્યા છે. ગાંધીનગર સિવિલ હૉસ્પિટલની ઍમ્બ્યુલન્સ પણ બોલાવી હોવાનું કહેવાય છે. કેતન ઇનામદારના ટેકામાં સાવલી નગરપાલિકાના બીજેપીના ૨૩ નગરસેવકોએ રાજીનામાં આપ્યાં હતા.

આ પણ વાંચો : પાલારના કેદીઓએ બનાવેલાં ભજિયાં રણોત્સવનું અટ્રૅક્શન

ઊર્જામંત્રીની સ્પષ્ટતાઃ ‘મારા અધિકારીઓ સારું કામ કરી રહ્યા છે’

ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે ‘કેતનભાઈ ઘણા જ સિનિયર છે. તેમનો થોડા દિવસ પહેલાં મારી પર ફોન હતો. એટલું જ કહ્યું હતું કે સ્ટ્રીટલાઇટો કપાઈ ગઈ છે અને એનાં પેમેન્ટ બાકી છે તો તમે ચાલુ કરી આપો. મેં તેમને કહ્યું હતું કે ચીફ ઑફિસરને તમે ફૉર્વર્ડેડ તારીખના ચેક આપી દેજો. આ ઉપરાંત તેમની સાથે મારી કોઈ વાત થઈ નથી. મારા પ્રમાણમાં ગુજરાતમાં ઊર્જા વિભાગના અધિકારીઓ સારું કામ કરી રહ્યા છે. જો ઊર્જાના કોઈ પણ અધિકારી આ અંગે વિવાદ થયો હશે તો હું જોઈશ.’

gujarat ahmedabad