સાબરમતી નદીમાંથી પાંચ દિવસમાં 500 ટન કચરો મળ્યો

10 June, 2019 06:17 PM IST  |  અમદાવાદ

સાબરમતી નદીમાંથી પાંચ દિવસમાં 500 ટન કચરો મળ્યો

સાબરમતી નદીમાંથી પાંચ દિવસમાં 500 ટન કચરો મળ્યો

સ્વચ્છ સાબરમતી અભિયાન રંગ લાવી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદના નાગરિકોના સહયોગથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન પાંચ દિવસ સફાઈ કરવામાં આવી. આ સફાઈ દરમિયાન નદીના પાંચ દિવસમાં 500 ટન કચરો મળી આવ્યો છે.

પાંચ દિવસ ચાલ્યું અભિયાન
સાબરમતીની સફાઈ દરમિયાન પ્લાસ્ટિક, માતાજીની ચુંદડી, કપડા સહિતનો કચરો મળી આવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જે બાદ આ અભિયાનમાં શહેરના કમિશ્નરની અપીલથી સામાજિક સંસ્થાઓ, અમદાવાદ પોલીસ, NCC કેડેટ્સ, સ્થાનિકો જોડાયા હતા. પાંચ દિવસ ચાલેલા આ અભિયાનમાં 60 હજાર લોકોએ ભાગ લીધો હતો. શહેરના પ્રથમ નાગરિક મેયરથી લઈને કમિશ્નર, શહેરના શ્રેષ્ઠીઓ, RJ પણ જોડાયા હતા. આ અભિયાનમાં 31 જેસીબી, 6 બોબકેટ, 12 ટ્રક, 147 ટ્રેક્ટર, 2000 તગારા, 1000 પાવડા સહિતની સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હવે મશીનરીથી કરવામાં આવશે સફાઈ
સાબરમતી નદીને આવી જ સ્વચ્છ રાખવા માટે પણ યોજના બનાવવામાં આવી છે. હવેથી નદીમાં માત્ર ટ્રીટ કરેલું પાણી જ છોડવામાં આવશે. જેના માટે 350 કરોડના ખર્ચે 6 નવા STPT પ્લાન્ટ બનાવવામાં આવશે. જેમાંથી 325 MLD પાણી છોડવામાં આવશે. સાબરમતીમાંથી જે કચરો એકઠો થયો તેમાંથી માટી અલગ કરી તેને પીરાણા ડંપિંગ સાઈટ પર નાખવામાં આવ્યો છે. હવે મશીનરીથી નદીની સફાઈ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ જ્યારે નદીને સ્વચ્છ બનાવવા માટે આખા શહેરે કર્યો પ્રયાસ

અભુતપૂર્વ રહ્યું અભિયાન
કદાચ આ પહેલો કિસ્સો હતો જ્યારે એક શહેર પોતાની લોકમાતા સમાન નદીને સાફ કરવા માટે એકઠું થયું હોય. પ્રશાસનની એક પહેલ અને લોકો ઉત્સાહથી આ કામમાં જોડાઈ ગયા હતા. અભિયાન પૂર્ણ થતા શહેરના કમિશ્નરે તમામ જનતાનો આભાર પણ માન્યો હતો.

gujarat ahmedabad