24 કલાકની મહેનત અને 4 કરોડ લિટર પાણીએ સુરતની માર્કેટની આગ ઠરી

23 January, 2020 10:52 AM IST  |  Surat

24 કલાકની મહેનત અને 4 કરોડ લિટર પાણીએ સુરતની માર્કેટની આગ ઠરી

રઘુવીર સિલિયમ સેન્ટર

સુરતના રઘુવીર સિલિયમ સેન્ટરમાં લાગેલી આગ ફાયર વિભાગની ૨૪ કલાકની મહેનત અને ચાર કરોડ લીટર પાણીનો મારો કર્યા બાદ આખરે કાબૂમાં તો આવી ગઈ છે, પરંતુ આગ લાગવાની ઘટના અને આગને બુઝાવવામાં આવેલી સમસ્યા અંગે બિલ્ડર અને સુડા સામે સવાલો જરૂરથી ઊભા થયા છે. આગની ઘટના બાદ ફરી એક વખત તંત્રએ બેઠકોનો દોર શરૂ કર્યો છે. સુડા ચૅરમૅન બંછાનિધિ પાનીએ સુરતના ક્રેડાઈના સભ્યો, બિલ્ડરો અને કાપડ વેપારી અસોસિયેશન અને યુઝર્સ અસોસિએશન સાથે સુડા ભવનમાં બેઠક યોજી હતી.

બેઠકમાં રઘુવીર સિલિયમ સેન્ટરની ઘટના બાદ કઈ રીતે આગની ઘટનાઓ રોકી શકાય છે એ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કેટલાક દિશાનિર્દેશ પણ આપવામાં આવ્યા હતા. બેઠક બાદ બાદ સુડા ચૅરમૅને કહ્યું હતું કે સુરત મહાનગરપાલિકા અને સુડા વિસ્તારમાં આવેલા તમામ હાઇરાઇઝ બિલ્ડિંગના માલિકો અને બિલ્ડર્સને ૩૦ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જેમાં તેમને પોતાની ઇમારતમાં રહેલા જોખમી એલિવેશન દૂર કરવાનાં રહેશે. બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય એવો પણ લેવામાં આવ્યો હતો કે જ્યારે પણ નવા બિલ્ડ‌િંગ અંગે બીયુસી માગવામાં આવશે ત્યારે બિલ્ડિંગમાં ત્રણ બાબતની જવાબદારી નક્કી કરવામાં આવશે જેમાં ઇલેક્ટ્રિક, એલિવેશન અને ફાયર-કન્સલ્ટન્ટની જવાબદારી નક્કી કરવામાં આવશે, કારણ કે નવા બિલ્ડ‌િંગમાં ઇલેક્ટ્ર‌િકનું કામ, એલિવેશનનું કામ કોના દ્વારા કરવામાં આવ્યું છે એનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવતો નથી. આ સાથે જ ફાયર સેફ્ટી સિસ્ટમ અંગે પણ સીધી કોઈ માહિતી આપવામાં આવતી નથી એટલે કે જે કંપની કે વ્યક્તિએ આ કામગીરી કરી હશે એની સંપૂર્ણ જવાબદારી બનશે.

આ તમામ માહિતી હશે તો જ બીયુસી મંજૂર કરવામાં આવશે. રઘુવીર બિલ્ડ‌િંગમાં લાગેલી આગને બુઝાવવામાં બિલ્ડિંગમાં લાગેલા એલ‌િવેશન ફાયર વિભાગ માટે મુશ્કેલરૂપ બન્યા હતા ત્યારે બેઠકમાં નક્કી કરાયું હતું કે બિલ્ડિંગના એલિવેશન માટે નવા નિયમો બનાવવામાં આવશે. સુડા ચૅરમૅને વધુમાં જણાવ્યું હતું કે રઘુવીરમાં ઇલેક્ટ્રિક શૉર્ટ સર્કિટથી લાગી હતી, લિફ્ટ અથવા એસીના કૉમ્પ્રેસરમાં આગ લાગ્યાની શક્યતા છે. આગ બુઝાવવા માટે ૪ કરોડ લિટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો છે. બિલ્ડર પાસેથી તમામ ચાર્જ વસૂલ કરવામાં આવશે. બિલ્ડિંગનું બીયુસી રદ કરી દેવામાં આવ્યું છે. હવે બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવશે. ત્યાં સુધી બિલ્ડિંગને સીલ મારી દેવામાં આવશે. જોકે ચર્ચા એવી પણ છે કે રઘુવીર બિલ્ડિંગમાં આગ લગાવવામાં આવી છે, જેથી એને લઈને પણ તપાસ કરવાનો ભરોસો સુડા ચૅરમૅને આપ્યો હતો.

આ પણ વાંચો : વિધાનસભ્યનો પુત્ર બન્યો બાહુબલી: હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ

સુડા ચૅરમૅન સાથેની બેઠક બાદ ક્રેડાઇ સુરતના સભ્યોએ મિડ ડે ગુજરાતી સાથેની વાતચીતમાં આગ મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. ક્રેડાઇ ચૅરમૅન રવજી પટેલે કહ્યું હતું કે જ્યારે પણ આગની ઘટના બનતી હોય છે ત્યારે સીધી કે આડકતરી રીતે બિલ્ડરોને જ જવાબદાર ઠેરવવામાં આવતા હોય છે, પરંતુ હકીકતમાં આગની ઘટના માટે માત્ર બિલ્ડર જ જવાબદાર નથી.

gujarat surat