બીલીમોરાના બ્રેઇન-ડેડ બાદ મૃત્યુ પામેલા બાળકે પાંચ જણને નવજીવન બક્ષ્યાં

01 November, 2019 03:37 PM IST  |  બીલીમોરા | પ્રીતિ ખુમાણ ઠાકુર

બીલીમોરાના બ્રેઇન-ડેડ બાદ મૃત્યુ પામેલા બાળકે પાંચ જણને નવજીવન બક્ષ્યાં

બાળકે આપ્યું 5 લોકોને નવજીવન

બીલીમોરાના ગૌહરબાગમાં ગુરુરાજ અપાર્ટમેન્ટમાં રહેતા અને બૅગ બનાવવાનું તથા રિપેરિંગ કરતા ૪૧ વર્ષના અલ્પેશ ચંદ્રકાન્ત મિસ્ત્રી, તેમની ૩૯ વર્ષની પત્ની સોનલ તથા પરિવારજનો પર ગુરુવારે દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. તેમના એકના એક દીકરા સમીરે બ્રેઇન-ડેડ થતાં જીવ ગુમાવ્યો હતો. આવી કઠોર પરિસ્થિતિમાં પણ દંપતી અને તેમના પરિવારે માનવતાની મહેક ફેલાવીને સમાજને એક નવી દિશા દેખાડવા જેવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દીકરાના અવયવોનું દાન કરીને એક નહીં, પાંચ-પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષીને સમાજ સામે એક હકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અલ્પેશ અને સોનલ મિસ્ત્રીનો બીલીમોરાની એલએમપી સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતો ૯ વર્ષનો દીકરો સમીર ૨૧ ઑક્ટોબરે પપ્પાની દુકાન પાસે સાંજે સાડાસાત વાગ્યે રમતાં-રમતાં પગથિયાં પરથી પડી ગયો હતો. એમાં સમીરને માથા પર ગંભીર ઈજા થતાં તે બેભાન થઈ ગયો હતો. સમીરને તરત બીલીમોરાની શૈશવ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. માથામાં વાગ્યું હોવાથી સીટી સ્કૅન કરાવ્યું હતું, જેમાં જમણી બાજુના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને મગજમાં સોજો હોવાનું જાણવા મળ્યું હતું. સમીરને ત્યાર બાદ સુરતની ઍપલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૨૯ ઑક્ટોબરે ડૉક્ટરોએ સમીરને બ્રેઇન-ડેડ જાહેર કર્યો હતો.

આ પણ જુઓઃ જાણો, નેશનલ એવોર્ડ જીતનાર ગુજરાતી ફિલ્મ હેલ્લારોના પુરૂષ કલાકારોને

આ બનાવ વિશે વધુ માહિતી આપતાં ડોનેટ લાઇફના પ્રમુખ નીલેશ માંડલેવાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સમીરને બ્રેઇન-ડેડ જાહેર કરાયા બાદ સુરતની હૉસ્પિટલે મારો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ડોનેટ લાઇફની ટીમે સમીરના પરિવારજનોને અવયવ-દાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. સમીરના અવયવ-દાનને કારણે તે અન્ય ચાર-પાંચ બાળકોમાં જીવંત રહેશે એવી ભાવના વ્યક્ત કરીને સમીરના પેરન્ટ્સ અવયવ-દાન માટે રાજી થયા હતા. પરિવારે સંમતિ આપતાં સ્ટેટ ઑર્ગન ઍન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશનનો સંપર્ક કરીને કિડની અને લિવરનું દાન કરવા જણાવ્યું હતું. અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ ઍન્ડ રિસર્ચ સેન્ટરની ટીમે આવીને કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું તથા ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુબૅન્કે સ્વીકાર્યું હતું.’

gujarat gujarati mid-day