19 September, 2026 04:58 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલી મોસ્કુટ આશ્રમશાળામાં 9 મી સપ્ટેમ્બરે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં લગભગ 11 બાળકો એક પછી એક અચાનક જ એક પ્રકારની `ટ્રાન્સ` (અર્ધ-બેભાન કે સમાધિ જેવી) અવસ્થામાં આવી ગયા હતા અને અનિયંત્રિત રીતે ધુણવા અને ડોલવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં શાળામાં અફરાતફરી મચી ગઈ હતી. શિક્ષકો અને શાળાના સંચાલકોએ તાત્કાલિક બાળકોને હૉસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, શાળા પ્રશાસને 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. તમામ બાળકોને શરૂઆતમાં ડેડિયાપાડા સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ, વધુ તપાસ અને સારવાર માટે તેમને રાજપીપળા સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગની શંકા સેવાઈ હતી. જોકે, તબીબી તપાસમાં ઝાડા, ઉલટી કે પેટમાં દુખાવા જેવા કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. આ પછી, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અથવા ઘટના પાછળના અન્ય કોઈ ગૂઢ કારણો અંગે અટકળો શરૂ થઈ હતી.
આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) દ્વારા પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. CDHOના જણાવ્યા અનુસાર, તબીબી તપાસ દરમિયાન બાળકો સ્વસ્થ જણાયા હતા; કોઈ શારીરિક કે માનસિક બીમારી જોવા મળી ન હતી. તેમ છતાં, 11 બાળકોનું એકસાથે આવી વિચિત્ર અવસ્થામાં આવી જવું તે ચર્ચાનો વિષય બન્યો છે.
આ ઘટનાની સાથે સાથે, આશ્રમશાળાના શિક્ષકો વચ્ચે આંતરિક વિવાદ હોવાની વાતો પણ સામે આવી છે. સ્થાનિક ગ્રામજનોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે શિક્ષકો વચ્ચેના ઝઘડાની અસર બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર ન પડવી જોઈએ.
આ ઘટના અંગે લોકોની અલગ-અલગ માન્યતાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો તેને ધાર્મિક આસ્થા સાથે જોડે છે અને માને છે કે દેવી-દેવતા, આધ્યાત્મિક શક્તિ કે કોઈ આત્માના પ્રભાવને કારણે વ્યક્તિ આવી અવસ્થામાં આવી શકે છે. બીજી તરફ, વૈજ્ઞાનિક અને તબીબી દ્રષ્ટિકોણથી તેને માનસિક તણાવ, હિસ્ટિરિયા અથવા અન્ય મનોવૈજ્ઞાનિક પરિબળો સાથે જોડવામાં આવી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, તેને લોકોનું ધ્યાન ખેંચવાની વૃત્તિ અથવા અંધશ્રદ્ધા સાથે પણ સાંકળવામાં આવે છે. નોંધનીય છે કે આ ઘટના 9 તારીખે બની હોવા છતાં, તેની માહિતી અને વિગતો હવે બહાર આવી રહી છે. તબીબી તપાસ દરમિયાન બાળકો સ્વસ્થ હોવાનું જણાયું હોવા છતાં, સ્થાનિક સ્તરે આ ઘટના અંગે ચર્ચાઓ ચાલુ છે. આ અંગે શાળા પ્રશાસન કે નિષ્ણાતો તરફથી વધુ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.