ગીરના સિંહો પીશે હવે સરકારી ટૅન્કરોનું પાણી

18 April, 2019 07:45 AM IST  |  ગીર | રશ્મિન શાહ

ગીરના સિંહો પીશે હવે સરકારી ટૅન્કરોનું પાણી

કાળઝાળ ઉનાળા વચ્ચે ગુજરાતનાં શહેરોમાં પણ પીવાના પાણીની તંગી શરૂ થઈ ગઈ છે ત્યારે સ્વાભાવિક રીતે ગીર ફૉરેસ્ટમાં પણ નદી અને ઝરણાંઓ સુકાઈ ગયાં છે જેને લીધે સિંહો અને અન્ય જંગલી જાનવરોએ ખૂબ ભટકવું પડે છે. ભટકતાં-ભટકતાં આ સિંહોનાં ટોળાં આજુબાજુનાં ગામોમાં ઘસી આવવાની ઘટના પણ આ જ કારણે વધવા માંડતાં હવે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ગીરના જંગલમાં સિમેન્ટની ટાંકીઓ મુકાવવી અને એને દરરોજ ટૅન્કર મારફત ભરવી.

ચારેક વર્ષ પહેલાં પણ આ રીતે સિમેન્ટની ટાંકી મૂકીને ઉનાળામાં સિંહોને ટૅન્કરનું પાણી પીવડાવવામાં આવ્યું હતું પણ અત્યારે એ ટાંકીની હાલત બિસમાર હોવાથી નવી મૂકીને એમાં પાણી ભરવામાં આવશે.

ગીર ફૉરેસ્ટમાં અત્યારે અંદાજે છસ્સો જેટલા સિંહો છે. એમને એક તો આ વિસ્તાર ટૂંકો પડે છે તો સાથોસાથ પાણીના કારણે વલખાં મારવા પડતાં હોવાથી સિંહ આજુબાજુનાં ગામો અને ગીર ફૉરેસ્ટના નેસમાં ઘૂસીને હુમલો કરે એવી શક્યતા વધી હોવાથી સિંહોને ગીર ફૉરેસ્ટમાં જ પાણીની સગવડ કરી આપવી હિતાવહ લાગતાં ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગીર ફૉરેસ્ટમાં દોઢસો ટાંકીઓ મુકાશે જે દરરોજ સો જેટલાં ટૅન્કરો દ્વારા ભરવામાં આવશે.

gujarat gujarat lions news