‘ગાંધીનગર સ્ટેશનનો પ્રયોગ રેલવેના પરિવર્તનનો આરંભ’

17 July, 2021 01:53 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

આ શુભારંભે આશા વ્યક્ત કરી હતી કે ગાંધીનગર રેલવે-સ્ટેશનનો પ્રયોગ ભારતીય રેલવેમાં એક સાર્થક બદલાવની શરૂઆત છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું અને સાથે પુનર્નિર્મિત આધુનિક ગાંધીનગર સ્ટેશન, ગાંધીનગર–વરેઠા મેમુ ટ્રેન, ગાંધીનગર–વારાણસીને જોડતી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન, સાયન્સ સિટીમાં ઍક્વેટિક ગૅલરી, રોબોટિક ગૅલરી અને નેચર પાર્ક સહિતના નવા પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ પણ કર્યું

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પુનર્નિર્મિત આધુનિક ગાંધીનગર રેલવે-સ્ટેશન, ગાંધીનગર–વરેઠા મેમુ ટ્રેન, ગાંધીનગર–વારાણસીને જોડતી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન, સાયન્સ સિટીમાં ઍક્વેટિક ગૅલરી, રોબોટિક ગૅલરી, નેચર પાર્ક સહિતના રેલવેના નવા પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું અને આ શુભારંભે આશા વ્યક્ત કરી હતી કે ગાંધીનગર રેલવે-સ્ટેશનનો પ્રયોગ ભારતીય રેલવેમાં એક સાર્થક બદલાવની શરૂઆત છે.
નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે ‘આજે દેશનું લક્ષ્ય ફકત કૉન્ક્રીટનાં સ્ટ્રક્ચર ઊભાં કરવાનું નથી, બલકે આજે દેશમાં એવાં-એવાં ઇન્ફ્રાનું નિર્માણ થઈ રહ્યું છે જેમનું એક કૅરૅક્ટર છે. બહેતર પબ્લિક પ્લેસ આપણી જરૂરી આવશ્યકતા છે. આ પ્રકારથી પહેલાં વિચારાતું નહોતું. અતીતના અર્બન પ્લાનિંગમાં આને પણ એક પ્રકારની લક્ઝરી સાથે જોડી દીધી હતી. અર્બન ડેવલપમેન્ટની પુરાણી સોચને પાછળ છોડીને દેશ આધુનિકતાની તરફ આગળ વધી રહ્યો છે. એકવીસમી સદીના ભારતની જરૂરિયાત વીસમી સદીના તૌરતરીકાથી પૂરી નથી થઈ શકતી એટલા માટે રેલવેમાં નવા શિરેથી રિફૉર્મની જરૂર હતી. અમે રેલવે માત્ર સર્વિસના તૌર પર જ નહીં, ઍસેટના તૌર પર વિકસિત કરવા માટે કામ શરૂ કર્યું. આજે એનાં પરિણામ જોવા મળી રહ્યાં છે. 
આજે ભારતીય રેલવેને દુનિયાના આધુનિકતમ નેટવર્ક અને મેગા પ્રોજેક્ટ માટે ચર્ચામાં સ્થાન મળે છે. આજે ભારતને જોવાનો અનુભવ-નજરિયો બદલાઈ રહ્યો છે. બહેતરીન ટ્રૅક, આધુનિક રેલવે-સ્ટેશન અને રેલ-ટ્રૅક પર આધુનિક હોટેલ, ગાંધીનગર રેલવે-સ્ટેશનનો આ પ્રયોગ ભારતીય રેલવેમાં એક સાર્થક બદલાવની શરૂઆત છે.’
આ તબક્કે નરેન્દ્ર મોદીએ સાયન્સ સિટીની સરાહના કરતાં કહ્યું હતું કે ‘સાયન્સ સિટી એક એવો પ્રોજેક્ટ છે જે રેક્રીએશન અને ક્રીએટિવિટીને આપસમાં જોડે છે. બાળકોને કંઈક નવું શીખવાડવાનું પ્લૅટફૉર્મ પણ છે. અહીં ઍક્વેટિક ગૅલરી દેશની નહીં, પણ એશિયાની ટૉપ ઍક્વેટિક ગૅલરીમાંની એક છે. અદ્ભુત અનુભવ આપશે.’
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત હતાં.

‘વડનગર સ્ટેશન સાથે જોડાઈ છે ઘણી યાદો’

રેલવેના વિવિધ પ્રકલ્પોના વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતનને યાદ કર્યું હતું અને કહ્યું હતું કે વડનગર સ્ટેશન સાથે મારી તો કેટલીય યાદો જોડાયેલી છે. નવું સ્ટેશન ખરેખર બહુ આકર્ષક લાગી રહ્યું છે. નવી બ્રોડગેજ લાઇન બનતા વડનગર – મોઢેરા – પાટણ હેરિટેજ સર્કિટ હવે બહેતર રેલ સેવાથી કનેક્ટ થઇ ગઇ છે. વડનગર પણ આ એકસપાન્શનનો હિસ્સો બન્યું છે.

gujarat ahmedabad shailesh nayak national news