ચરુ ઊકળતો રાખવાની કોશિશ કયા હેતુ માટે?

25 June, 2022 11:28 AM IST  |  New Delhi | Agency

સુપ્રીમે પીએમ મોદીને અપાયેલી ક્લીન ચિટને પડકારતી ઝાકિયા જાફરી દ્વારા કરવામાં આવેલી અરજી ફગાવી

કૉન્ગ્રેસના મૃત નેતા એહસાન ઝાફરીનાં પત્ની ઝાકિયા જાફરી.

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોમાં રાજ્યના એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ૬૩ વ્યક્તિઓને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા આપવામાં આવેલી ક્લીન ચિટને ગઈ કાલે માન્ય રાખી હતી. અદાલતે કૉન્ગ્રેસના માર્યા ગયેલા નેતા એહસાન ઝાફરીની પત્ની ઝાકિયા જાફરી દ્વારા કરવામાં આવેલી એક અરજીને ફગાવી દીધી હતી. અદાલતે જણાવ્યું હતું કે ‘છૂપો હેતુ’ માટે ‘ચરુ ઉકળતો રાખવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે.’
જસ્ટિસ એ. એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી ત્રણ જજિઝની બેન્ચે ૨૦૧૨માં એસઆઇટી દ્વારા દાખલ કરવામાં આવેલા ક્લોઝર રિપોર્ટની વિરુદ્ધ ઝાકિયા જાફરીની વિરોધ અરજીને ફગાવતાં મૅજિસ્ટ્રેટના આદેશને માન્ય રાખ્યો હતો.
આ બેન્ચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને સી. ટી. રવિકુમાર પણ સામેલ હતા. અદાલતે જણાવ્યું હતું કે ઝાકિયાની અરજીમાં મેરિટ નથી. ઝાકિયાએ એવો પણ આરોપ મૂક્યો હતો કે ૨૦૦૨માં ગુજરાતમાં એક મોટા કાવતરાના ભાગરૂપે કોમી રમખાણો થયાં હતાં.
ગોધરામાં ટ્રેન સળગાવવામાં આવી એના એક દિવસ બાદ ૨૦૦૨ની ૨૮ ફેબ્રુઆરીએ કોમી હિંસા દરમ્યાન અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય અહેસાન જાફરી સહિત ૬૮ લોકો માર્યા ગયા હતા. ઝાકિયા જાફરીએ મોદી સહિત ૬૪ વ્યક્તિઓને એસઆઇટી દ્વારા આપવામાં આવેલી ક્લીન ચિટને પડકારી હતી.
ઝાકિયાએ એસઆઇટીના નિર્ણયની વિરુદ્ધની તેમની અરજીને ફગાવતાં હાઈ કોર્ટના આદેશને ૨૦૧૭ની પાંચમી ઑક્ટોબરે પડકાર્યો હતો. ગયા વર્ષે નવમી ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે આ અરજી પર એનો ચુકાદો અનામત રાખ્યો હતો.
એસઆઇટીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું કે ઝાકિયા જાફરીની અરજી સિવાય કોઈએ પણ ૨૦૦૨માં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોમાં કરવામાં આવેલી તપાસ સામે આંગળી ઉઠાવી નથી.
૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચને સળગાવવામાં આવતાં ૫૯ લોકોનાં મોત થયાં હતાં, જેના પગલે ગુજરાતમાં કોમી હિંસા ફેલાઈ હતી. ૨૦૧૨ની ૮ ફેબ્રુઆરીએ એસઆઇટીએ નરેન્દ્ર મોદી અને અન્ય ૬૩ જણને ક્લીન ચિટ આપતો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. 

અસંતુષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી જરૂરી

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના અસંતુષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ૨૦૦૨માં કોમી હિંસા બાબતે ખોટાં નિવેદનો કરીને સનસનાટી સર્જવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી છે. અદાલતે જણાવ્યું હતું કે રાજ્યની એ દલીલમાં બળ હોવાનું અદાલતને જણાયું છે કે સંજીવ ભટ્ટ (એ સમયના આઇપીએસ ઑફિસર), હરેન પંડ્યા (ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન) અને આર. બી. શ્રીકુમાર (હવે નિવૃત્ત આઇપીએસ ઑફિસર)ની જુબાની માત્ર આ મામલાનું રાજકીયકરણ અને સનસનાટીભર્યો કરવા માટે જ લેવામાં આવી હતી.

અદાલતનાં છ મહત્ત્વનાં ઑબ્ઝર્વેશન્સ પર એક નજર... 

૧) સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની દલીલોને ટાંકીને અદાલતે જણાવ્યું હતું કે ‘છૂપો હેતુ’ માટે ‘આ મુદ્દે ચરુ ઉકળતો રાખવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે.’
૨) કાયદાકીય પ્રક્રિયાનો આવા દુરુપયોગમાં સામેલ તમામની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર છે. 
૩) સુપ્રીમ કોર્ટે એના ચુકાદામાં જણાવ્યું હતું કે ‘બીજા કોઈના કહેવાથી’ આ અપીલ કરવામાં આવી છે.  
૪) અદાલતે જણાવ્યું હતું કે અરજીમાં મોટા ભાગનું કન્ટેન્ટ બીજાના વર્ઝન્સ પર આધારિત છે અને એ ‘જૂઠાણાંથી ભરપૂર’ હોવાનું જણાયું છે.
૫) અદાલતે જણાવ્યું હતું કે અરજીકર્તાની દલીલો સુપ્રીમ કોર્ટના ‘વિઝડમ’ સામે સવાલ ઉઠાવે છે.
૬) સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે ‘રાજ્યમાં સર્વોચ્ચ સ્તરે ઘડવામાં આવેલા અપરાધિક કાવતરાના ભાગરૂપે ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના ગોધરાકાંડ અને એ પછીની ઘટનાઓ થઈ હોવાની જણાવતી અરજીકર્તાની વાતને સપોર્ટ કરવા માટે કોઈ પુરાવા નથી.’

 સત્યમેવ જયતે! ભારતની સુપ્રીમ કોર્ટે ક્લીન ચિટ આપી છે અને ગુજરાતમાં ગોધરાકાંડ પછીની હિંસા પરના સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ના રિપોર્ટને પડકારતી ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી છે. - અનુરાગ ઠાકુર, કેન્દ્રીય પ્રધાન

national news gujarat supreme court narendra modi