‘પઠાન’ ગુજરાતમાં રિલીઝ કરી દેખાડો...

17 December, 2022 10:36 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

‘ઓલી દીપિકાએ ભગવું કાંક પેર્‍યું છે’ એટલે લોકકલાકાર રાજભા ગઢવી, વડોદરા અને સુરતનાં હિન્દુ સંગઠનોએ ગુજરાતમાં ફિલ્મ રિલીઝ નહીં કરવા દેવાની હાકલ કરી છે

રાજભા ગઢવી

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આવી રહેલી ફિલ્મ ‘પઠાન’ સામે ઊઠેલો વિરોધ હવે ગુજરાત પહોંચ્યો છે અને આ ફિલ્મ સામે ગુજરાતમાં પણ વિરોધના સૂર ઊઠ્યા છે. ગુજરાતના લોકકલાકાર રાજભા ગઢવીએ સોશ્યલ મીડિયામાં વિડિયો વાઇરલ કરીને તેમ જ વડોદરા અને સુરતમાં હિન્દુ સંગઠને આ ફિલ્મ સામે વિરોધ દર્શાવ્યો છે અને આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ નહીં કરવા દેવાની અપીલ કરી છે.

લોકકલાકાર રાજભા ગઢવીએ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વિડિયો-ક્લિપ વાઇરલ કરીને આક્ષેપ કરતાં કહ્યું કે ‘શાહરુખની ‘પઠાન’ ફિલ્મ આવે છે. એ ફિલ્મનું એક ગીત રિલીઝ થયું છે. ઓલી દીપિકાએ ભગવુ કાંક પેર્‍યું છે અને એવું બધું છે. ખાસ મારે કે’વાનું એવું છે કે ગુજરાતીઓને કહું છું કે ગુજરાતમાં એ ફિલ્મ રિલીઝ ના થવા દેવી જોઈએ. કારણ કે એને બીજો કોઈ કામધંધો નથી. ક્યાંક ને ક્યાંક આપણી ભાવના સાથે, આપણી પરંપરા સાથે, સનાતમ ધર્મ સાથે, હિન્દુત્વ સાથે કંઈક ને કંઈક ખરાબ કરવું એવું બૉલીવુડવાળાએ નક્કી કરી લીધું છે.’

સુરતમાં અખિલ ભારત હિન્દુ યુવા મોરચાએ ‘પઠાન’ ફિલ્મના ‘બેશર્મ રંગ’ ગીત સામે વાંધો ઉઠાવીને પત્રિયકામાં લખ્યું છે કે ‘સનાતન ધર્મના લોકોની ધાર્મિક ભાવના દુભાઈ હોવાથી આ ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો, નિર્માતા-નિર્દેશક પર જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. આ ગીત દ્વારા તેઓ સનાતન સંસ્કૃતિની મજાક ઉડાડી રહ્યા છે. બહુસંખ્યક લોકો સનાતન સંસ્કૃતિનાં પ્રતીક-ચિહ્‍‍નો અને રંગનો આદર, સન્માન અને પૂજા કરે છે. ‘પઠાન’ ફિલ્મમાં ભગવા રંગને અપમાનિત કરવામાં આવી રહ્યો છે એવી લાગણી રજૂ થઈ છે.’

gujarat gujarat news bollywood news upcoming movie pathaan Shah Rukh Khan deepika padukone shailesh nayak