લગ્ન કરીને આવતાં મોડું થતાં વલસાડનાં નવદંપતીને ઘરે નહીં, પોલીસ-સ્ટેશન જવું પડ્યું

26 January, 2022 09:21 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં વરરાજા અને વહુ સામે કરફ્યુના ભંગ બદલ ગુનો નોંધાયાની પહેલી ઘટના બની, નવપરિણીત યુગલને પરિવારજનો સાથે રાતે બે વાગ્યા સુધી પોલીસ-સ્ટેશનમાં રોકાવું પડ્યું

પોલીસ-સ્ટેશનમાં વરરાજા અને વહુ સાથે પરિવારજનો

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે ત્યારે કોરોનાને કન્ટ્રોલમાં કરવા માટે ગુજરાત સરકારે રાત્ર‌િ કરફ્યુનો અમલ શરૂ કરાવ્યો છે એવા સમયે સોમવારે રાત્રે લગ્ન કરી પરત ફરતાં મોડું થતાં વલસાડના નવપરિણીત દંપતીને ઘરે નહીં પણ પોલીસ-સ્ટેશન જવું પડ્યું હતું અને કરફ્યુના ભંગ બદલ વલસાડ પોલીસે વરરાજા પીયૂષ પટેલ અને નવવધૂ સોનલ સહિત પરિવારજનો સામે ગુનો નોંધ્યો હતો. ગુજરાતમાં વરરાજા અને વહુ સામે કરફ્યુ અને જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવાની આ પ્રથમ ઘટના બનતાં અને વિવાદ સરજાતાં ઉચ્ચ પોલીસ અધિકારીએ આખી ઘટનાની તપાસ કરવા માટે આદેશ કર્યા છે.
વલસાડમાં રહેતા અને વરરાજા પીયૂષ પટેલના મોટા પપ્પા રાજુ પટેલે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘૨૪મીએ મારા ભાઈના દીકરાનાં લગ્ન હતાં. જાન તરકેશ્વર મંદિર અબ્રામા ગઈ હતી. એક જ સ્થળે છોકરી અને તેના ભાઈનાં પણ લગ્ન હતાં. સાંજનાં લગ્ન હતાં અને વિદાય કરવામાં થોડું મોડું થઈ ગયું હતું. અમે વલસાડ આવ્યા ત્યારે ધરમપુર ચોકડી પાસે પોલીસનું ચેકિંગ હતું. પોલીસે અમારી કાર અટકાવીને પૂછપરછ કરી હતી. અમે પોલીસને કહ્યું હતું કે કરફ્યુ છે એની અમને ખબર છે પણ અમારી મજબૂરી હતી. મોડું થઈ ગયું છે. કાયદો કાયદાનું કામ કરે એનો વાંધો નથી. અમારી સામે કેસ કરો એનો વાંધો નથી પણ વર-વધૂને જવા દો. થોડી માનવતા દાખવીને નવું જોડું છે તો પોલીસ-સ્ટેશન ન લઈ જાઓ. પરંતુ પોલીસ માની નહીં અને મહિલાઓ સહિત અમે ૧૦ જણ હતાં તે બધાને રાત્રે ૧૧.૩૦ વાગ્યે પોલીસ-સ્ટેશન લઈ ગઈ હતી અને કેસ પેપર કર્યાં હતાં અને રાત્રે બે વાગ્યે છોડ્યાં હતાં. આ ઘટનાથી કન્યા સોનલ ગભરાઈ ગઈ હતી.’
આ કેસની તપાસના આદેશ અપાયા હોવાના મુદ્દે વલસાડ રૂરલના એસ. પી. રાજદીપસિંહ ઝાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં ડીવાયએસપી (હેડ ક્વૉર્ટર)ને તપાસ સોંપી છે. પોલીસના વ્યવહારના સંદર્ભે એક દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપશે.’ 

coronavirus covid19 gujarat gujarat news