નર્મદાના પૂરનાં વહી જતાં પાણીનો હવે કચ્છના છ તાલુકાના ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરી શકશે

19 January, 2022 09:15 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા તાલુકાનાં ૭૭ ગામોને સિંચાઈની સુવિધા મળશે

પ્રતીકાત્મક તસવીર

નર્મદાના પૂરના વહી જતા પાણીનો હવે કચ્છના છ તાલુકાના ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરી શકશે. કચ્છમાં સિંચાઈ માટે નર્મદાનાં પાણી પહોંચાડવા ૪૩૬૯ કરોડનાં કામોને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વહીવટી મંજૂરી આપી છે જેના કારણે મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા તાલુકાનાં ૭૭ ગામોને સિંચાઈની સુવિધા મળશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છ માટે નર્મદાના વધારાના એક મિલ્યન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ–૧નાં કામો માટે ૪૩૬૯ કરોડનાં કામ મંજૂર કર્યાં છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલ્યન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ માટે ફાળવવામાં આવ્યો છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ ૩૩૭.૯૮ કિલોમીટરની લંબાઈની પાઇપલાઇન દ્વારા ચાર લિન્કનું આયોજન કરાયું છે. કચ્છના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એ હેતુથી પાઇપલાઇન દ્વારા ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા આયોજન છે. કચ્છ શાખા નહેરની વર્તમાન કામગીરીને ધ્યાનમાં રાખીને ફેઝ–૧ અંતર્ગત ૪૩૬૯ કરોડ રૂપિયાનાં કામ હાથ ધરવાની વહીવટી મંજૂરી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે.
કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા તાલુકાનાં ૭૭ ગામોને સિંચાઈની સુવિધા મળશે.

gujarat gujarat news kutch shailesh nayak