દીકરાના બાળકને વેલકમ કરવા માટે પહેલી જ વાર લંડન જતાં દાદા-દાદીએ દુનિયામાંથી એક્ઝિટ લીધી

13 June, 2025 10:38 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ભોગીલાલ પરમાર અને તેમનાં વાઇફ હંસા પરમાર પ્લેન ક્રૅશ દુર્ઘટનામાં ભોગ બન્યાં

સિવિલ હૉસ્પિટલના ટ્રૉમા વૉર્ડની બહાર પરમાર પરિવારના સ્વજનો.

પોતાના દીકરાને ત્યાં પારણું બંધાવાનું હતું. પુત્રવધૂને છેલ્લા દિવસો જતા હતા અને આવનારા બાળકને વેલકમ કરવા માટે દાદા-દાદી ઉત્સાહભેર ગઈ કાલે અમદાવાદથી લંડન જવા રવાના થયાં હતાં. જોકે વિધાતાએ કંઈક જુદા જ લેખ લખ્યા હશે અને એટલે જ ભોગીલાલ પરમાર અને તેમનાં વાઇફ હંસા પરમાર પ્લેન ક્રૅશ દુર્ઘટનામાં ભોગ બન્યાં અને આ દુનિયામાંથી એક્ઝિટ લઈ લેતાં પરમાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. 

પોતના સ્વજનને શોધતા અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં આવેલા અને દુર્ઘટનાનો ભોગ બનેલા ભોગીલાલ પરમારના ભાણેજ જમાઈ હિમાંશુ પરમારે સિવિલ હૉસ્પિટલમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા માસા સસરા ભોગીલાલ પરમાર અને તેમનાં પત્ની હંસા પરમાર તેમના દીકરા રોહનને ત્યાં લંડન જતા હતા. રોહનની વાઇફ શ્રદ્ધાને છેલ્લા દિવસો ચાલે છે એટલે મારા માસા સસરા અને માસી સાસુ લંડન જતાં હતાં. બન્ને જણ પહેલી વાર લંડન જઈ રહ્યાં હતાં અને બહુ ખુશ હતાં, કેમ કે દીકરાને ત્યાં પારણું બંધાવાનું હતું એની ખુશી હતી. જોકે આ ઘટના બની અને બધી ખુશીઓ છીનવાઈ ગઈ. મારા માસા સસરા ભોગીલાલ પરમાર રિટાયર્ડ જેલર છે.’

ખુશી-ખુશીથી પહેલી વાર લંડન જતાં અને દીકરાના બાળકને રમાડવાની હોંશ સાથે હરખભેર લંડનની ફ્લાઇટમાં ભોગીલાલ પરમાર અને તેમનાં પત્ની હંસા પરમાર બેઠાં હતાં અને દીકરાના ઘરે પહોંચવાની રાહ જોતાં હતાં, પરંતુ એ પહેલાં જ કરુણાંતિકા ઘટતાં પરમાર પરિવાર પર શોકની કાલિમા છવાઈ ગઈ છે.

gujarat news gujarat plane crash ahmedabad columnists