ભરશિયાળામાં ગુજરાતના ૯ તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ

23 January, 2022 09:13 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સંખેડા, ધ્રોલ, ડભોઈ, કરજણ, ચુડા, છોટાઉદેપુર, લીમડી, થાનગઢ અને બોડેલીમાં માવઠું થયું : ખેડૂતો થયા પરેશાન

ફાઇલ તસવીર

ભરશિયાળા વચ્ચે ગઈ કાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં ગુજરાતના નવ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકાના દરિયામાં કરન્ટ જોવા મળ્યો હતો અને મોજાં ઊછળ્યાં હતાં. આટલું ઓછું હોય એમ આગામી બે દિવસ ગુજરાતમાં ઠંડીનું જોર વધે એવી આગાહી કરવામાં આવી છે.
ગઈ કાલે ગુજરાતમાં છોટાઉદેપુર, જામનગર, વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠું થયું હતું. સાંજે ચાર વાગ્યા સુધીમાં સંખેડા, ધ્રોલ, ડભોઈ, કરજણ, ચુડા, છોટાઉદેપુર, લીમડી, થાનગઢ અને બોડેલીમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જોકે આ તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુર અને સુરેન્દ્રનગરના ત્રણ-ત્રણ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. માવઠાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા અને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી. આવી સ્થિતિમાં તેઓ સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે.
ગઈ કાલે જામનગર અને દ્વારકાના દરિયામાં મોસમની અસર થઈ હતી અને ભારે પવન ફૂંકાયો હતો. દ્વારકા, જામનગર, ઓખા અને સલાયા બંદરે દરિયામાં મોજાં ઊછળ્યાં હતાં. એમાં પણ દ્વારકાના દરિયાકિનારે ૮થી ૧૦ ફુટનાં મોજાં ઊછળ્યાં હતાં. 
સત્તાવાળાઓ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હતી.

gujarat gujarat news Gujarat Rains shailesh nayak