રથયાત્રાના એક સદીના ઇતિહાસમાં આજે પહેલી વાર થશે ભગવાન જગન્નાથજીને ડાયમન્ડ તિલક

29 June, 2022 09:13 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

પહેલી વાર એવું બન્યું કે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી રથયાત્રાના રૂટ પર સમીક્ષા માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ સાથે પગપાળા જોડાયા ઃ ઠેર-ઠેર મળ્યો આવકાર : ઉત્સાહનો માહોલ સર્જાયો

અમદાવાદમાં ગઈ કાલે રથયાત્રા રૂટ પર યોજાયેલી સમીક્ષામાં જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તેમ જ બીજેપીના આગેવાનો અમિત શાહ, ભૂષણ ભટ્ટ તેમ જ સ્થાનિક રહીશો

પહેલી વાર એવું બન્યું કે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી રથયાત્રાના રૂટ પર સમીક્ષા માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ સાથે પગપાળા જોડાયા ઃ ઠેર-ઠેર મળ્યો આવકાર : ઉત્સાહનો માહોલ સર્જાયો : રથયાત્રાના રૂટ પર પોલીસે કર્યું રિહર્સલ

અમદાવાદ : ગુજરાતના અમદાવાદમાં દર વર્ષે યોજાતી ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રાનો આજથી ત્રણ દિવસીય ઉત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે એક સદી કરતાં વધુ વર્ષોથી યોજાતા આ મહોત્સવમાં પહેલી વાર આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ડાયમન્ડનું તિલક થશે. એટલું જ નહીં, પહેલી વાર એવું બન્યું કે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી રથયાત્રાના રૂટ પર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ સાથે પગપાળા સમીક્ષામાં જોડાયા હતા.
અમદાવાદમાં શુક્રવાર ૧ જુલાઈએ ૧૪૫મી રથયાત્રા યોજાવાની છે એ પહેલાં ગઈ કાલે ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ-કર્મચારીઓ સાથે ૧૯ કિલોમીટર રથયાત્રા રૂટની પગપાળા ચાલીને સમીક્ષા કરી હતી. તેઓની સાથે પહેલી વાર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમ જ અન્ય આગેવાનો જોડાયા હતા. મંદિરના મહંત જાતે જ રૂટની સમીક્ષા માટે નીકળ્યા હોવાથી તેઓ સહિત સૌકોઈને ઠેર-ઠેર આવકાર મળ્યો હતો.
અમદાવાદના જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોસાળ ગયેલા ભગવાન આજે ૧૫ દિવસ પછી નિજ મંદિરે ગર્ભગૃહમાં પધારશે અને નેત્રોત્સવ વિધિ થશે. પૂજા થશે અને ત્યાર બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને પહેલી વાર ડાયમન્ડનું તિલક થશે. દર વખતે અલગ-અલગ તિલક કરવામાં આવે છે જેમાં આ વર્ષે ડાયમન્ડ પસંદ કરવામાં આવ્યો છે. આ ડાયમન્ડ તિલક પહેલી વાર થશે.’
મહેન્દ્ર ઝાએ વધુમાં કહ્યું હતું કે ‘ગઈ કાલે રથયાત્રા રૂટની સમીક્ષા થઈ ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, હું તેમ જ અન્ય આગેવાનો પગપાળા જોડાયા હતા. આ પહેલી વાર બન્યું કે મહંત દિલીપદાસજી અને અમે આવી રીતે પગપાળા રૂટ પર જોડાયા હોઈએ અને પદયાત્રા કરી હોય. અમે થ્રુ આઉટ ૧૯ કિલોમીટરના રૂટ પર રહ્યા હતા.’
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘અમદાવાદ પોલીસ કમિશનર સહિત સમગ્ર પોલીસ ટીમે રિયલ ટાઇમ રિહર્સલ કર્યું છે. ૧૫થી વધુ વિભાગો સાથેનો આ મેગા બંદોબસ્ત રાષ્ટ્રીય સ્તરે દાખલારૂપ છે. અમદાવાદ પોલીસનું આયોજન આસ્થા અને વ્યવસ્થાના ક્ષેત્રે શૈક્ષણિક સંસ્થાઓ માટે કેસ સ્ટડી સમાન છે.’

gujarat news gujarat ahmedabad