પાંચ શતાબ્દી બાદ ધજા લહેરાઈ અને સર્જાયો સુવર્ણ ઇતિહાસ

19 June, 2022 10:00 AM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

શક્તિપીઠ પાવાગઢમાં કાલીકા માતાજીના મંદિર પર ધજારોહણ કરીને નરેન્દ્ર મોદીએ કહ્યું, સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે

પાવાગઢ

ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢમાં પાંચ શતાબ્દી બાદ ગઈ કાલે શ્રી કાલીકા માતાજીના મંદિરના શિખર પર ધજા લહેરાઈ હતી અને ઇતિહાસ સર્જાયો હતો. ધજારોહણ કરીને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે.’

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કલ્પના કરી શકો છો પાંચ સદી પછી અને આઝાદીનાં ૭૫ વર્ષ વિત્યાં પછી, પાંચ શતાબ્દી સુધી મહાકાળીના શિખર પર ધજા નહોતી ફરકી. આજે મહાકાળીના શિખર પર ધજા ફરકી. પાંચ શતાબ્દી પછી મહાકાળીના શિખર પર ધજા ચડી છે. આ પળ આપણને પ્રેરણા આપે છે, ઊર્જા આપે છે અને આપણી મહાન પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે સમર્પિત ભાવથી જીવવા માટે પ્રેરીત કરે છે. આજે ધજા ફરકાવી છે એ મહાકાળી મંદિરની ધજા નથી, ગુજરાત અને દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા પણ છે. આજથી કેટલાક દિવસો પછી આ મહિનામાં ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ રહી છે. ગુપ્ત નવરાત્રિ પહેલાં પાવાગઢમાં મહાકાળીનું મંદિર ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આપણી સામે છે. શક્તિ અને સાધનાની આ વિશેષતા હોય છે. ગુપ્ત નવરાત્રિ છે, પણ શક્તિ સુપ્ત નથી હોતી, શક્તિ કયારેય લુપ્ત નથી હોતી. જ્યારે શ્રદ્ધા, સાધના અને તપસ્યા ફળીભુત થાય છે તો શક્તિ પોતાના પૂર્ણ વૈભવ સાથે પ્રગટ થઈ જાય છે. આજે સદીઓ પછી મહાકાળીનું આ મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે છે ત્યારે આપણા મસ્તકને પણ ઊંચા કરી દીધા છે.’

gujarat gujarat news vadodara narendra modi