ડાંગના થોરપાડાથી IIT દિલ્હી સુધી...

01 July, 2019 08:27 AM IST  |  ડાંગ | રોનક જાની

ડાંગના થોરપાડાથી IIT દિલ્હી સુધી...

ડાંગ જિલ્લાના આદિવાસી ગરીબ પરિવારમાં ઊછરેલા અવિરાજે તેના પિતા અને ભાઈઓની મહેનત સફળ કરીને પોતાનું ઉચ્ચ અભ્યાસનું સપનું પૂરું કર્યું છે. છ ભાઈઓ અને પાંચ બહેનોના વિશાળ પરિવારમાં ઊછરેલા અવિરાજને નાનપણથી જ અભ્યાસમાં રુચિ હતી જેને જોઈને પરિવારજનોએ તેનું સપનું સાકાર કરવા પોતાનું યોગદાન આપ્યું છે.

ડાંગ જિલ્લાના અંતરિયાળ થોરપાડા ગામે રસ્તા, પાણી અને વીજળીની પૂરતી સુવિધા ન હોય એવા ગામે પ્રાથમિક શિક્ષણ મેળવીને ઉચ્ચ અભ્યાસ માટેની ઝંખના અવિરાજને આજે દિલ્હી સુધી લઈ ગઈ છે. ૧૧ ભાઈ-બહેનોમાં સૌથી નાનો દીકરો અવિરાજ સમગ્ર ડાંગ જિલ્લામાંથી IITમાં પ્રવેશ મેળવનાર પ્રથમ વિદ્યાર્થી બન્યો છે.

તેની આ સફળતા જોઈને પરિવારજનો, શાળા પરિવારો અને જિલ્લા શિક્ષણ અધિકારીએ તેને અભિનંદન પાઠવ્યાં છે અને ઉજ્જ્વળ ભવિષ્ય માટેની શુભકામના આપી છે. અવિરાજના પિતા પોતે અશિક્ષિત હોવા છતાં દીકરાઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતા આવ્યા છે. જોકે તેમના મોટા દીકરાએ બીએ સુધી તેમ જ અન્ય એક પુત્રે એફવાયબીએ સુધી અભ્યાસ કરી પિતાને સંતોષ આપ્યો હતો, જ્યારે અવિરાજે સમગ્ર ડાંગ જિલ્લામાંથી સૌપ્રથમ આઇઆઇટી-દિલ્હીમાં પ્રવેશ મેળવીને પિતાનું સપનું પૂર્ણ કર્યું છે. અવિરાજના અભ્યાસ પાછળ તેના પિતા અને પરિવારની મહેનત હોવાનું તે જણાવે છે. અવિરાજે આઇઆઇટીમાં ટેક્સટાઇલ ટેક્નૉલૉજી વિભાગમાં પ્રવેશ મેળવી લીધો છે. માત્ર ચાર એકર જેટલી જમીનમાં ખેતી કરીને પરિવારના ૧૩ સભ્યોનું ભરણપોષણ કરવાની સાથે અવિરાજને ભણાવવામાં આર્થિક રીતે અસમર્થ પિતા શકારામે અવિરાજને ૧૦થી ૧૨મા ધોરણ સુધી સાપુતારા નજીક માલેગાંવમાં પ્રયોશા પ્રતિષ્ઠાનના પી. પી. સ્વામીને જવાબદારી સોંપી હતી. કોઈ પણ જાતની સુખસુવિધા કે અપેક્ષા વગર અવિરાજે ફક્ત અભ્યાસમાં પોતાનું ધ્યાન પરોવીને બારમા ધોરણના વિજ્ઞાનપ્રવાહમાં ૮૫.૬૮ પર્સન્ટાઇલ સાથે દેશભરમાં આઇઆઇટીમાં ૧૦૫૦મા રૅન્ક સાથે પ્રવેશ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતના મોટા શહેરોએ વાપરેલું પાણી ફરી વપરાશે, CMની જાહેરાત

ધોરણ ૧થી ૧૨માં અભ્યાસકાળ દરમ્યાન અવિરાજ સ્માર્ટફોન કે ટેલિવિઝનથી દૂર રહ્યો હતો. આજે ધોરણ ૧૨ પછી ઉચ્ચ અભ્યાસ માટે દિલ્હી જતા અવિરાજને તેના પિતાએ સ્માર્ટફોન ભેટ આપ્યો છે. આ ફોન પણ તેના પિતા સરળ હપ્તેથી લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

gujarat news