અમદાવાદમાં મેકડોનાલ્ડના કોલ્ડ ડ્રિંકમાં ગરોળી મળી હોવાનો ગ્રાહકનો આરોપ, આઉટલેટ સીલ કરાયું

24 May, 2022 02:24 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

આઉટલેટ સીલ કર્યા બાદ આ મામલે મેકડોનાલ્ડ્સ દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે

તસવીર સૌજન્ય: એએફપી

ગુજરાતના અમદાવાદમાં મેકડોનાલ્ડના આઉટલેટમાંથી એક વ્યક્તિએ વીડિયો બનાવ્યો અને વાયરલ થયો. વ્યક્તિનો આરોપ છે કે મેકડોનાલ્ડ્સમાંથી તેણે લીધેલા ઠંડા પીણામાં એક મૃત ગરોળી તરી રહી હતી. વીડિયો વાયરલ થતાં વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ સોલા વિસ્તારમાં આવેલું આ આઉટલેટ સીલ કર્યું હતું. આઉટલેટ સીલ કરતા પહેલાં મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરે આઉટલેટમાંથી ઠંડા પીણાના સેમ્પલ લીધા હતા અને તેને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલ્યા હતા. આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે તેમની પરવાનગી વિના આઉટલેટ ફરીથી ખોલવામાં આવશે નહીં.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભાર્ગવ જોશી અને તેના મિત્રો કહી રહ્યા છે કે તેઓએ મેકડોનાલ્ડના આઉટલેટ્સમાંથી બર્ગર અને કોલ્ડ ડ્રિંક્સ ખરીદ્યા હતા. તેના મિત્રએ પણ ઠંડા પીણાની બે સીપ પણ લીધી હતી. એવો આરોપ છે કે ગ્લાસને હલાવ્યા બાદ મૃત ગરોળી તળિયેથી ઉપરની સપાટી પર તરતી જોવા મળી હતી. વીડિયોમાં ભાર્ગવ જોષી કહી રહ્યા છે કે જ્યારે તેણે આ અંગે આઉટલેટ મેનેજરને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે તે બિલના 300 રૂપિયા પરત કરી દેશે.

આઉટલેટ સીલ કર્યા બાદ આ મામલે મેકડોનાલ્ડ્સ દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. મેકડોનાલ્ડ્સે તેના નિવેદનમાં કહ્યું છે કે “તે આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે તેણે વારંવાર તપાસ કરી છે અને તેમાં કંઈ ખોટું જણાયું નથી. તેમ છતાં જવાબદાર કંપની હોવાને કારણે તેઓ અધિકારીઓને તપાસમાં સહકાર આપી રહ્યા છે.”

કંપનીએ તેના નિવેદનમાં સ્વચ્છતા અને સલામતી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો છે. કંપનીએ લખ્યું છે કે તેની પાસે સલામતી અને સ્વચ્છતા પ્રોટોકોલ સંબંધિત 42 નિયમો છે, જે મેકડોનાલ્ડના તમામ આઉટલેટ્સ પર સખત રીતે લાગુ કરવામાં આવે છે.

gujarat gujarat news ahmedabad