સુરતમાં 31 મે પછી ફરી ધમધમી શકે છે કાપડ બજાર

28 May, 2020 09:31 AM IST  |  Surat | Agencies

સુરતમાં 31 મે પછી ફરી ધમધમી શકે છે કાપડ બજાર

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનનો ચોથો તબક્કો ૩૧મીએ પૂરો થાય એ પછી શહેરની કાપડ માર્કેટ ખોલવા દેવાની તૈયારી થઈ રહી છે. રિન્ગ રોડ કાપડ માર્કેટ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા આજે ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ સાથે મુલાકાત લઈ પરિસ્થિતિનું અવલોકન કરવામાં આવ્યું હતું. જોકે શરતોને આધીન માર્કેટમાંની દુકાનો શરૂ કરવા દેવામાં આવશે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. ટેક્સટાઇલ ઉદ્યોગકારો એવું ઇચ્છી રહ્યા છે કે કાપડ માર્કેટ સૌથી પહેલાં ખોલવામાં આવે. કાપડ માર્કેટ શરૂ થશે તો ટેક્સટાઇલના બીજા સેગમેન્ટમાં કામકાજ શરૂ થશે. આથી આજે જ્યારે રિન્ગ રોડ કાપડ માર્કેટ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ડાઇંગ પ્રોસેસિંગ એકમોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું કે પ્રશાસન દ્વારા કેટલીક શરતોને આધીન માર્કેટ ખોલવા દેવાની છૂટ આપવામાં આવશે એવું અત્યારે તો માનવામાં આવી રહ્યું છે. કાપડ માર્કેટની સાફસફાઈ, ડિસઇન્ફેક્શન, સૅનિટાઇઝેશન, સોશ્યલ ડિસ્ટન્સ‌િંગ અને કન્ટેનમેન્ટ ઝોનમાંથી સ્ટાફ કે માલિક નહીં આવી શકે એવી શરતોનું પાલન કરવાનો આગ્રહ પ્રશાસનનો છે. આમ તો રિન્ગ રોડની કાપડ માર્કેટ જ્યાં સુધી શરૂ નહીં થાય ત્યાં સુધી ટેક્સટાઇલ ઉદ્યોગની આખી ચેઇન પૂર્વવત્‌ થાય એમ નથી. કાપડ માર્કેટ વિસ્તારને ઝડપથી ખોલવામાં આવે એ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખૂબ જ જરૂરી છે અને અમે પ્રશાસનને પણ વિનંતી કરીએ છીએ કે જેમ બને તેમ જલદી કાપડ બજાર શરૂ થાય એવાં પગલાં લેવામાં આવે એમ એક મિલમાલિકે વાતચીત દરમિયાન જણાવ્યું હતું. કાપડ માર્કેટની આજે પ્રશાસન દ્વારા મુલાકાત લેવામાં આવી, પણ ત્રણ દિવસ પછી તા. ૨૯મીએ ફરી એક વાર માર્કેટ વિસ્તારનું નિરીક્ષણ એસએમસી ના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે અને ત્યાર પછી જ આખરી નિર્ણય લેવાશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

gujarat ahmedabad surat lockdown coronavirus covid19