સુરતમાં મૃતદેહોની લાંબી લાઇનો લાગતાં સ્મશાનની ભઠ્ઠીની ફ્રેમ ઓગળવા માંડી

14 April, 2021 09:13 AM IST  |  Surat | Agency

કુરુક્ષેત્ર સ્મશાનગૃહમાં અગાઉ માત્ર ૨૦ મૃતદેહોની વિધિ થતી હતી જે વધીને હવે ૧૦૦ થતાં તાપમાન વધીને ૬૦૦ ડિગ્રી પહોંચી ગયું

સુરતના કુરુક્ષેત્ર સ્મશાનમાં સતત સળગતી ચિતાની ગરમીથી પીગળી ગયેલી ચીમનીઓ.

કોરોના મહામારી વચ્ચે મૃતદેહોની અંતિમક્રિયા માટે લાગી રહેલી લાઇનોના કારણે સ્મશાનગૃહોની ભઠ્ઠી સતત ચાલુ રહેતી હોવાથી સુરતનાં કેટલાંક સ્મશાનગૃહોની ભઠ્ઠી ઓગળવા લાગી છે અથવા તૂટવા લાગી છે, એમ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું. ગુજરાતમાં અહીંના કુરુક્ષેત્ર સ્મશાનગૃહ અને અશ્વિનીકુમાર સ્મશાનગૃહની ગૅસ આધારિત આશરે ૧૬ ભઠ્ઠીઓ છેલ્લા એક અઠવાડિયાથી દિવસ-રાત કાર્યરત છે, જેના કારણે હવે આ ભઠ્ઠીઓની જાળવણીના પ્રશ્નો ઉદ્ભવ્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.જેના પર મૃતદેહો રાખવામાં આવે છે તે ગૅસ ભઠ્ઠીઓની મેટલ ફ્રેમ અને ચીમનીઓ વધુ પડતી ગરમ થઈ જવાને કારણે અને અતિશય વપરાશના કારણે ઓગળવા માંડી છે અથવા તૂટવા માંડી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

છેલ્લા કેટલાક દિવસોમાં સુરતમાં કોરોનાથી દૈનિક ૧૮થી ૧૯ મોત નીપજે છે.ગયા વર્ષે કોરોના મહામારી અગાઉ કુરુક્ષેત્ર સ્મશાનગૃહમાં રોજ આશરે ૨૦ મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવતી હતી. હવે મૃતદેહોની સંખ્યા ઘણી વધી ગઈ છે. હાલમાં રોજના આશરે ૧૦૦ મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવે છે, એમ સ્મશાનગૃહનું સંચાલન કરતા ટ્રસ્ટના પ્રમુખ કમલેશ સેલરે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે તેમના સ્મશાનની છ ગૅસ ભઠ્ઠીઓ ૨૪ કલાક ચાલુ રહે છે અને તેનું તાપમાન ૬૦૦ ડિગ્રી સુધી પહોંચે છે. પરિણામે લોખંડની ફ્રેમ અને ચીમનીઓ ગરમીથી ઓગળવા માંડી છે અને તૂટવા માંડી છે. તે પાર્ટ્સને બદલવા માટે મિકેનિક્સને બોલાવાઈ રહ્યા છે.

ગુજરાતમાં ભેગા થવાની મનાઈ, ઉત્સવો પર પ્રતિબંધ

ગુજરાતમાં કોવિડ-19ના કેસની સંખ્યા ફરી દરરોજ વધી રહી છે એ સ્થિતિમાં કેટલીક કચાશ પ્રત્યે હાઈ કોર્ટે સોમવારે ટકોર કરી એને પગલે રાજ્ય સરકારે કેટલાંક નિયંત્રણો જાહેર કર્યાં છે. તમામ પ્રકારના સામાજિક, રાજકીય તથા ધાર્મિક સ્તરે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો છે. જાહેર સ્થળે જન્મદિનની ઉજવણી માટે પણ લોકો એક‌િત્રત નહીં થઈ શકે. સરકારે આગામી તહેવારો ઘરમાં જ ઊજવવાની અપીલ કરીને લોકોને જાહેરમાં કોઈ સેલિબ્રેશન નહીં કરવાની અપીલ કરી છે.

gujarat surat coronavirus covid19