Corona Virus: અમદાવાદમાં પાનનાં ગલ્લા 31 માર્ચ સુધી બંધ રખાશે

20 March, 2020 03:37 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Corona Virus: અમદાવાદમાં પાનનાં ગલ્લા 31 માર્ચ સુધી બંધ રખાશે

ગુજરાતમાં કોરોનાવાઇરસનાં પ્રવેશ પછી અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ લીધો નિર્ણય.

ગુજરાતમાં કોરોના વાઇરસનાં પાંચ કેસ સામે આવ્યા છે. રાજકોટમાં કેસ જાહેર થતા ત્યાં તાત્કાલિક દર્દી જે વિસ્તારમાં હતો ત્યાં 24 કલાકનું આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયું. ગુજરાતમાં કેસિઝ સામે આવતા અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશનરે જાહેરાત કરી છે કે 31મી માર્ચ સુધી શહેરની તમામ પાન શોપ્સ બંધ રખાશે. પાન શોપ્સ એવું સ્થળ છે જ્યાં લોકો મોટે ભાગે ટોળે વળતાં હોય છે. આ સ્થિતિમાં કમિશનર તરફથી આ મોટી જાહેરાત છે. ગઇકાલે સુરતમાં એક અને રાજકોટમાં એક કેસ બહાર આવ્યો તે પછી આજે અમદાવાદમાં બે કેસિઝ બહાર આવ્યા તથા વડોદરામાં પણ એક કેસ નોંધાયો હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પોતાના શહેર પુરતો આ નિર્ણય તત્કાળ લેવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ જાહેરાત પણ કરી છે કે જે પરિવારો સેલ્ફ ક્વોરેન્ટાઇન કરશે તેમને જરૂરી કરિયાણું, ખાવા-પીવાની ચીજોનું રાશન ઘરે મફતમાં પહોંચાડાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનનાં તમામ સિવિક સેન્ટર પણ 31મી માર્ચ સુધી બંધ કરી દેવાયા છે અને તમામ જીમ, સ્વિમીંગ પુર, ક્લબ્ઝ બધું જ બંધ કરી દેવાની જાહેરાત પણ કરાઇ છે. રવિવારે ચાલતી ગુજરી બજાર, ત્રણ દરવાજા બજાર, સિંધી માર્કેટ જેવી બજારો જનતા કર્ફ્યુના ભાગ રૂપે બંધ રાખવામાં આવશે. વળી કાંકરિયા, હોટેલ – રેસ્ટોરન્ટ તમામ પણ રવિવારે બંધ જ રખાશે.

 

covid19 coronavirus gujarat ahmedabad surat rajkot vadodara