જૂનાગઢમાં વિવાદાસ્પદ ​મહિલા ઇન્ફ્લુએન્સરે ભગવાં કપડાંમાં મૃગીકુંડમાં સ્નાન કર્યું, વિવાદ ફાટી નીકળ્યો

17 February, 2026 01:33 PM IST  |  Junagadh | Gujarati Mid-day Correspondent

સાધુ-સંતોમાં ફેલાયો રોષ : પહેલી વાર થયો ધાર્મિક પરંપરાનો ભંગ : પોલીસે કીર્તિ પટેલને બહાર કાઢી, અન્ય એક મહિલાએ પણ મારી ડૂબકી

મૃગીકુંડમાં સ્નાન કરતી કીર્તિ પટેલની વિડિયોમાંથી ગ્રૅબ કરેલી તસવીર.

મહાશિવરાત્રિની મધરાતે સાધુ-સંતો જ્યાં શાહી સ્નાન કરે છે એ આસ્થાના મુકામસમા જૂનાગઢના પવિત્ર મૃગીકુંડમાં વિવાદાસ્પદ ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે ભગવાં વસ્ત્ર ધારણ કરીને સાધુ-સંતોની વચ્ચે સ્નાન કરતાં વિવાદ સર્જાયો છે. મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુ-સંતો સ્નાન કરતા આવ્યા છે ત્યારે કીર્તિ પટેલે ત્યાં સ્નાન કરતાં પહેલી વાર ધાર્મિક પરંપરાનો ભંગ થયો છે. એના કારણે સાધુ-સંતોમાં રોષ ફેલાયો છે. 

મહાશિવરાત્રિની રાતે જૂનાગઢમાં સાધુ-સંતોની રવેડી નીકળી હતી. આ રવેડી ભવનાથ મંદિર પહોંચી હતી જ્યાં મૃગીકુંડમાં સાધુ-સંતોની સ્નાન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. હર્ષોલ્લાસ સાથે રવેડીમાં જોડાયેલા સાધુ-સંતોએ હર હર ભોલેના નાદ સાથે ડૂબકી મારીને સ્નાન કર્યું હતું. સાધુ-સંતોની વચ્ચે ભગવાં કપડાંમાં કીર્તિ પટેલે પણ મૃગીકુંડમાં ડૂબકી મારીને સ્નાન કર્યું હતું. 
જૂનાગઢના પ્રાંત અધિકારી અને મેળાના અધિકારી ચરણસિંહ ગોહિલે કીર્તિ પટેલના મુદ્દે મીડિયાને કહ્યું હતું કે ‘મહાશિવરાત્રિનું શાહી સ્નાન હતું એ દરમ્યાન ગેટ પર પ્રેશર હોવાને કારણે એકસાથે ઘણા લોકો આવી ગયા હતા. એમાં કીર્તિ પટેલ નામની વ્યક્તિ સાધુનું રૂપ ધારણ કરીને શાહી સ્નાનમાં સામેલ થઈ ગઈ હતી. આ બાબતે સાધુ-સંતો દ્વારા ધ્યાન દોરવામાં આવતાં તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તેને દૂર કરવામાં આવી હતી. આ બાબતે જો કોઈ અનિચ્છનીય કૃત્ય ગણાતું હશે તો ત્રણેય અખાડાનું માર્ગદર્શન લઈને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’ 
સંત ડૉ. જ્યોતિર્નાથે મીડિયાને કહ્યું હતું કે ‘ભગવાં કપડાં પહેરીને લોકોને મૂરખ બનાવીને સ્નાન કરે એ એકદમ નિંદનીય ઘટના છે. આ બાબતે સંતો આકરા વલણમાં છે. જૂનાગઢના સંતો બેસશે અને નિર્ણય કરશે, પણ કાયદાકીય પગલાં લેવાં જોઈએ, આ ભૂલ ક્ષમ્ય નથી. લોકોની ભાવના સાથે ખિલવાડ છે, સંતોની પવિત્રતા સાથેનો ખિલવાડ છે.’ 

કીર્તિ પટેલની જેમ અન્ય એક મહિલાએ પણ મૃગીકુંડમાં ડૂબકી મારી હતી. સોશ્યલ મીડિયામાં કીર્તિ પટેલ અને આ મહિલાના કુંડમાં સ્નાન કરતા વિડિયો વાઇરલ થયા હતા. આ મુદ્દે સાધુ-સંતોમાં નારાજગી ફેલાઈ છે. સંતો કહી રહ્યા હતા કે આ એક પરંપરા છે અને મૃગીકુંડમાં સંત લોકો જ સ્નાન કરે છે, પણ સાધુનાં કપડાં પહેરીને રવેડીમાં દાખલ થઈને કીર્તિ પટેલે કુંડમાં સ્નાન કર્યું છે તો તંત્રએ પગલાં લેવાં જોઈએ. શાહી સ્નાનમાં નાહવાનો અધિકાર તેને કોણે આપ્યો એવો પ્રશ્ન સાધુ-સંતોમાં ઊઠ્યો છે.

gujarat news gujarat junagadh social media mahashivratri culture news hinduism Crime News gujarat giants gujarat police haridwar