midday

હવે રાજકોટના સ્વામીનારાયણ મંદિરે વિવાદ ઊભો કર્યો

11 April, 2025 09:49 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

શ્રીજી મહારાજના શિષ્યોને જુદાં-જુદાં ભગવાન અને માતાજીના અવતાર તરીકે દર્શાવ્યા
રાજકોટમાં આવેલા જાગાસ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં લાગેલું બોર્ડ જે સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં હટાવી લેવાયું.

રાજકોટમાં આવેલા જાગાસ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં લાગેલું બોર્ડ જે સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં હટાવી લેવાયું.

છેલ્લા કેટલાક સમયથી સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા સનાતન ધર્મનાં દેવી-દેવતા વિશે વિવાદાસ્પદ વાતો થઈ રહી છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટમાં રૈયા રોડ પર આવેલા જાગાસ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં લગાડેલા બોર્ડમાં શ્રીજી મહારાજના શિષ્યોને ભગવાન અને માતાજીના અવતારો તરીકે દર્શાવ્યા છે. આ બોર્ડનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં સનાતનધર્મીઓમાં રોષ ફેલાયો હતો. આ રોષના પગલે મંદિરમાંથી બોર્ડ હટાવી લેવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલા જાગાસ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં એક બોર્ડ લાગ્યું હતું જેમાં એવું લખાણ છે કે ‘શ્રીજી મહારાજ કહેતા કે બે હજાર અવતારો લઈને હું પ્રગટ થયો છું.’ આ લખાણ નીચે શ્રીજી મહારાજના શિષ્યો અને તેમના અવતારો (પહેલાં કોણ હતા?) દર્શાવ્યા છે જેમાં શ્રીજી મહારાજના શિષ્યોના લિસ્ટમાં સ્વામીનારાયણ ભગવાન સહિત કુલ બાવન શિષ્યોનાં નામ દર્શાવ્યાં છે અને તેમની સામે તેઓ પહેલાં કયો અવતાર હતા એ દર્શાવ્યું છે જેમાં ગોપાલાનંદ સ્વામીને શ્રીકૃષ્ણ ભગવાનના અવતાર તરીકે દર્શાવ્યા છે. મુક્તાનંદ સ્વામીને નારદજીના અવતાર તરીકે, નિત્યાનંદ સ્વામીને વ્યાસજીના અવતાર તરીકે, બ્રહ્માનંદ સ્વામીને બૃહસ્પતિના અવતાર તરીકે, મૂળજી બ્રહ્મચારીને હનુમાનજીના અવતાર તરીકે, ચૈતન્યાનંદ સ્વામીને દત્તાત્રેયના અવતાર તરીકે, સ્વરૂપાનંદ સ્વામીને શંકર ભગવાનના અવતાર તરીકે,  રામપ્રતાપભાઈને રામચંદ્રજીના અવતાર તરીકે, જીવુબાને લક્ષ્મીજીના અવતાર તરીકે, જાનબાઈને સીતાજી-રૂક્મિણીજીના અવતાર તરીકે, અદ્ભુતાનંદ સ્વામીને વિષ્ણુ ભગવાનના અવતાર તરીકે દર્શાવ્યાં છે. આ ઉપરાંત બીજા સ્વામીઓને પણ તેઓ પહેલાં કયા અવતારમાં હતા એ દર્શાવવામાં આવ્યું છે.

swaminarayan sampraday rajkot religion religious places new gujarat gujarat news social media