આ છે દક્ષિણી મંદિર શૈલીનું ગુજરાતનું પહેલું દેરાસર

06 December, 2024 09:06 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદ પાસે રાંચરડા ગામે બન્યું છે શ્રી પાર્શ્વ પ્રેમ ૨૪ જિનેશ્વર ધામ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દેરાસરની મુલાકાત લઈને દર્શન કર્યાં હતાં એ સમયે આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબ તેમ જ અન્ય મહારાજસાહેબ, નકશીકામ કરેલા થાંભલાઓની વચ્ચે પરમાત્માઓની મૂર્તિ.

ગુજરાતમાં પહેલી વાર અમદાવાદ પાસે આવેલા રાંચરડા ગામ નજીક દક્ષિણ ભારતીય મંદિરોની શૈલીમાં જૈન દેરાસરનું નિર્માણ થઈ રહ્યું છે. નકશીકામ અને કોતરણીકામથી બેનમૂન બની રહેલા દેરાસર માટે આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબે જૈન શાસ્ત્ર પ્રમાણે ડિઝાઇનને ચકાસીને આયોજન કરીને શ્રી પાર્શ્વ પ્રેમ ૨૪ જિનેશ્વર ધામનું નિર્માણ કર્યુ છે જેનો હાલમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે.

નકશીકામ અને કોતરણીકામ સાથેનું આવું અલગ પ્રકારે દેરાસર બનાવવા પાછળનો હેતુ જણાવતાં શ્રી મંગલ કલ્યાણ ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હેતલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાચીન પરંપરાને ફૉલો કરીને અમે વાસ્તુશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, વિજ્ઞાન અને ભૂગોળને ધ્યાનમાં રાખીને; જે રીતે પહેલાંના જમાનામાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ડિઝાઇન બનાવતા હતા એને અનુસરીને દેરાસર બનાવવા માગતા હતા. એના માટે ચેન્નઈ, કોઇમ્બતુર અને બૅન્ગલોર જઈને તપાસ કરીને ધાર્મિક નિષ્ણાતોનો સંપર્ક કર્યો હતો. તેમની પાસેથી જ્ઞાન લઈને વાસ્તુદોષ, ગુણદોષ, નીતિદોષ ન આવે એને ધ્યાનમાં લઈને ડિઝાઇન બનાવી હતી. આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબે જૈન શાસ્ત્ર પ્રમાણે ડિઝાઇનને ચકાસી હતી અને ત્યાર બાદ આયોજન કર્યું હતું. દક્ષિણ શૈલીનાં મંદિરોની જેમ આ દેરાસર બનાવ્યું છે જે ગુજરાતમાં આવી શૈલીનું પહેલું દેરાસર છે. આ દેરાસરનું થોડું કામ બાકી છે. આના પ્રેરણાદાતા પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબ છે જેમનું સપનું હતું કે રાંચરડામાં જૈન દેરાસર બને અને સાધુ-સાધ્વીજીઓનું સેવાનું કેન્દ્ર પણ બને.’

કેવા-કેવા કારીગરો?

દેરાસરના નિર્માણ માટે ખાસ રાજસ્થાનથી મકરાણાના પથ્થરો મગાવીને એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દેરાસર માટે ૬૦ કારીગરો ઉપરાંત દક્ષ‌િણ ભારતીય શૈલીનું કોતરણીકામ પર્ફેક્ટ રીતે કરી શકે એવા ૨૫ કારીગરો બોલાવવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ સહિત આખા દેરાસરમાં અદ્ભુત કોતરણીકામ થયું છે. છેલ્લાં ત્રણ વર્ષથી દેરાસરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે અને હજી થોડું કામ બાકી છે. આ દેરાસરમાં ૪૫થી વધુ નકશીકામ કરેલા થાંભલા છે, જ્યારે દેરાસરમાં અંદરની છત પર પણ કોતરણીકામ અને નકશીકામ થયું છે.

કઈ-કઈ મૂર્તિઓ?

આ દેરાસરમાં ચૌમુખી મૂર્તિઓનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે. રવિવારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ૪ ગુરુમૂર્તિ, ૮ દેવીદેવતાઓ, ૧૪ મંગલમૂર્તિ હશે. ચાર ગુરુઓમાં ધર્મસૂરીશ્વરજી મહારાજસાહેબ, ભક્તિસૂરીશ્વરજી મહારાજસાહેબ, પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબ અને સુબોધસૂરીશ્વરજી મહારાજસાહેબની મૂર્તિ હશે. પ્રથમ માળે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, આદીશ્વર ભગવાન, શાંતિનાથ ભગવાન અને નેમિનાથ ભગવાન સહિત ૨૪ તીર્થંકર પરમાત્માઓની મૂર્તિઓ રહેશે.

ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ દેરાસરમાં દર્શન કર્યાં હતાં અને મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

gujarat news gujarat ahmedabad jain community religious places