26 August, 2025 11:24 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદના કૉન્ગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી, તો કેટલાકને નજરકેદ કર્યા હતા.
ગુજરાતમાં ગઈ કાલે નરેન્દ્ર મોદીની જાહેરસભા પહેલાં પોલીસે અમદાવાદ કૉન્ગ્રેસના કેટલાક આગેવાનોની અટકાયત કરી હતી તો કેટલાક આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા હતા. એની સામે કૉન્ગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ડરી ગયેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોલીસને આગળ કરીને કૉન્ગ્રેસના આગેવાનોની અટકાયત કરાવી છે.
ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં વડા પ્રધાન આવે છે ત્યારે જનતાનો અવાજ દબાવવા કૉન્ગ્રેસ પક્ષના અમદાવાદ શહેરનાં અધ્યક્ષ સોનલ પટેલ, પ્રવક્તા હેમાંગ રાવલ, પાર્થિવરાજ સિંહ કઠવાડિયા, નાગજી દેસાઈ, હિતેન્દ્ર પિઠડિયા સહિતના આગેવાનો, કાર્યકરોને પોલીસ લઈ જઈને જુદાં-જુદાં પોલીસ-સ્ટેશનમાં બેસાડી દે છે. BJPના શાસકો અમદાવાદની જનતાનો આક્રોશ અને વિરોધને દબાવવા માટે પોલીસનો દૂર ઉપયોગ કરી રહી છે, પરંતુ કૉન્ગ્રેસના કાર્યકરો જનતાની અવાજ બનીને લડતા રહેશે.’
ગુજરાત કૉન્ગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં વડા પ્રધાન આવે એ આવકાર્ય છે, પરંતુ તેમના આગમન પહેલાં પ્રજાને જે તકલીફ છે, પારાવાર મુશ્કેલી છે અને પ્રજાનો આક્રોશ છે એને વાચા આપવા માટે કૉન્ગ્રેસ પક્ષ વડા પ્રધાનને મળવા માગતો હતો, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ડરી ગયેલી BJPએ સત્ય છુપાવવા માટે પોલીસને આગળ કરીને કૉન્ગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરાવી છે તેમ જ કેટલાક આગેવાનો–કાર્યકરોને નજરકેદ કર્યા છે, પરંતુ કૉન્ગ્રેસ પ્રજાના અવાજને વાચા આપવા લોકતાંત્રિક કાર્યક્રમો ચાલુ રાખશે.’