06 June, 2025 11:29 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં સિંદૂરનો છોડ વાવીને પાણી સીંચતા ભૂપેન્દ્ર પટેલ અને વાવવામાં આવેલા સિંદૂરના અન્ય છોડ.
ગઈ કાલે વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સિંદૂરના છોડનું રોપણ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મિશન ફૉર મિલ્યન ટ્રીઝ અભિયાનનો આરંભ કરાવ્યો હતો.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અવસાન પામેલા નાગરિકોના સ્મરણાર્થે અને ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઑપરેશન સિંદૂરના સન્માનમાં સિંદૂર વનના નિર્માણના પ્રારંભમાં ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિ સાથે સિંદૂરનો છોડ વાવ્યો હતો અને એને પાણી સીંચીને સિંદૂર વન નિર્માણનો આરંભ કરાવ્યો હતો. ચાંદલોડિયા વૉર્ડમાં ૫૫૧ સિંદૂર વૃક્ષો સાથે સિંદૂર વન તૈયાર થશે. અમદાવાદમાં ગ્રીન કવર વધારવા માટે મિશન ફૉર મિલ્યન ટ્રીઝ અભિયાન અંતર્ગત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ૪૦ લાખ વૃક્ષો વાવવામાં આવશે જેમાં કૉર્પોરેશનના વૃક્ષરથો દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સોસાયટીઓ અને અપાર્ટમેન્ટમાં જઈને લોકોને ફ્રીમાં વૃક્ષારોપણ કરી આપવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે આવા ૧૧ વૃક્ષરથોનું પ્રસ્થાન કરાવ્યું હતું.