16 July, 2025 07:29 AM IST | Junagadh | Gujarati Mid-day Correspondent
જૂનાગઢ જિલ્લામાં નાનો બ્રિજ તોડતી વખતે એક ભાગ તૂટી પડવાની ઘટનાના પગલે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં માંગરોળ નજીક આજક આંત્રોલી રોડ પર આવેલા અને જર્જરિત થઈ ગયેલા નાના બ્રિજને તોડવાની કામગીરી દરમ્યાન અચાનક જ બ્રિજના સ્લૅબનો એક ભાગ નીચે પડ્યો હતો. આ ઘટના સમયે પુલ તોડવાની કામગીરીને કુતૂહલવશ કેટલાક લોકો નિહાળી રહ્યા હતા ત્યારે બૅલૅન્સ ગુમાવતાં તેઓ નીચે લપસી પડ્યા હતા. જોકે આ બ્રિજ વોકળા પર હોવાથી એ લંબાઈમાં નાનો હતો તેમ જ બહુ ઊંચો નહીં હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ. સોશ્યલ મીડિયામાં વાયુવેગે બ્રિજ તૂટવાનો મેસેજ વાઇરલ થતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, જેના પગલે ગુજરાત સરકારના તંત્રએ કહેવું પડ્યું હતું કે બ્રિજ તૂટ્યો નથી, એને તોડવામાં આવી રહ્યો હતો.
આજક આંત્રોલી રોડ પર આવેલા નાના બ્રિજનો એક ભાગ ધરાશાયી થતાં ઘટનાસ્થળે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કહ્યું હતું કે ‘ઇન્સ્પેક્શન બાદ સલામતીના ભાગરૂપે આ પુલને નીચે ઉતારવામાં આવી રહ્યો હતો. આ પુલ તૂટ્યો નથી, પરંતુ તોડવામાં આવી રહ્યો હતો.’
જૂનાગઢ જિલ્લાના માર્ગ-મકાન વિભાગ, પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે કહ્યું હતું કે ‘અધિકારીઓના નિરીક્ષણ બાદ આ પુલ જર્જરિત જણાતાં એના સ્લૅબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સ્ટ્રક્ચરના સ્લૅબ તોડવાની કામગીરી ચાલી રહી હતી એ દરમ્યાન એક સ્લૅબનું ડિમોલિશન થયા બાદ બીજા સ્લૅબના ડિમોલિશનની કામગીરી બાકી હતી. એ સમયે સ્થાનિક લોકો સ્થળ પર આવી ગયા હતા. આ સમયે સુપરવાઇઝર દ્વારા લોકોને સેફ્ટી માટે પુલ-સ્થળેથી દૂર મોકલવા માટે બેથી ત્રણ વખત જણાવ્યું હતું, પરંતુ એ સમયે સ્લૅબ નીચે પડતાં આસપાસ ઊભેલા લોકો અને ઇજારદારનો સુપરવાઇઝર-સ્ટાફ નીચે લપસી પડ્યા હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.’